બેંગલૂરુઃ બુધવારે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયનપદના સેલિબ્રેશન વખતે થયેલી નાસભાગ અને ધક્કામુક્કીની દુર્ઘટનાના કિસ્સામાં એચ. એમ. વેન્કટેશ નામના વરિષ્ઠ સામાજિક કાર્યકરે વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે એ વાતને પણ સમર્થન આપ્યું હતું કે આ બનાવમાં અગાઉથી એક કેસ નોંધાયો છે અને એમાં તપાસ ચાલી રહી છે. વેન્કટેશની ફરિયાદને આ જ કેસમાં સાંકળી લેવામાં આવી છે.કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ નંબર 123/2025 હેઠળ અગાઉ વેન્કટેશ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એમાં તેમની આ નવી ફરિયાદ જોડી દેવામાં આવી છે. બુધવારની ધક્કામુક્કીની ઘટનામાં 11 જણે જીવ ગુમાવ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસમાં થઈ રહેલી ફરિયાદો પરથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક પોલીસ વિરાટ કોહલી વિરુદ્ધ થયેલી ફરિયાદને પણ ગંભીરતાથી લઈ રહી છે.જોકે કોહલી વિરુદ્ધની ફરિયાદ કેવા પ્રકારની છે અને એમાં કયા આરોપો મૂકવામાં આવ્યા છે એ હજી સ્પષ્ટ નથી કરાયું.
તપાસ જેમ-જેમ આગળ વધશે એને આધારે ફરિયાદની વિગતો બહાર આવતી જશે. પોલીસનું એવું કહેવું છે કે ન્યાયતંત્રની પ્રક્રિયા હેઠળ તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. બેંગલૂરુના નાસભાગના બનાવમાં ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી છે. સી. વેણુ નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. એફઆઇઆર મુજબ છ નંબરના ગેટ પર મોટા પાયે ભાગદોડ થતાં બેરિકેટ પડતાં તેના (વેણુના) પગમાં ગંભીર ઈજા થઈ હતી.વેણુએ આરોપ મૂક્યો છે કે આરસીબી, કાર્યક્રમના આયોજક ડીએનએ એન્ટરટેઇનમેન્ટ તથા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (કેએસસીએ) લોકોની ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમણે લોકો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી કરી.
Reporter: admin