News Portal...

Breaking News :

ભવનાથ રોડ પર ચાલુ બાઈકના હેન્ડલ પર અચાનક સાપ દેખાતા પરિવારમાં દોડધામ

2026-07-13 12:06:41
ભવનાથ રોડ પર ચાલુ બાઈકના હેન્ડલ પર અચાનક સાપ દેખાતા પરિવારમાં દોડધામ

જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ભવનાથ રોડ પર રવિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પરિવાર સાથે ફરવા નીકળેલા એક બાઈકચાલકની ચાલુ બાઈકના હેન્ડલ પાસે અચાનક સાપ દેખાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ચાલકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક બાઈક રસ્તાની બાજુમાં ઊભી રાખી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર ભવનાથ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. રસ્તામાં બાઈક ચલાવી રહ્યા દરમિયાન ચાલકનું ધ્યાન હેન્ડલ તરફ ગયું હતું, જ્યાંથી સાપ બહાર નીકળતો દેખાતા તે ચોંકી ગયો હતો. ગભરાયા વિના તેણે બાઈક સુરક્ષિત રીતે રોકી પરિવારના સભ્યોને નીચે ઉતારી દીધા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પ્રવાસીઓમાં પણ થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ તરત જ સ્નેક કેચરને જાણ કરતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ બાઈકના આંતરિક ભાગમાં છુપાયેલા સાપને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.

બાદમાં સ્નેક કેચરે સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના ગિરનારના જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ થતાં બાઈકચાલક અને તેના પરિવાર સહિત હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વન વિભાગે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ સહિતના વન્યજીવો રહેણાંક અને વાહનોમાં ઘૂસી જવાની શક્યતા વધુ રહેતી હોવાથી વાહન શરૂ કરતા પહેલાં તેની સારી રીતે તપાસ કરવાની અપીલ કરી છે.

Reporter: admin

Related Post