કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વર્ષ 1995થી 2013 દરમિયાન કતારના શાસક રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન કતારને વૈશ્વિક સ્તરે એક પ્રભાવશાળી અને સમૃદ્ધ દેશ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શેખ હમદે વર્ષ 2013માં સ્વૈચ્છિક રીતે સત્તા પોતાના પુત્ર અને વર્તમાન અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીને સોંપી હતી. ખાડી દેશોમાં સત્તાનું આ પ્રકારનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. તેમણે વર્ષ 1995માં પોતાના પિતાને સત્તા પરથી હટાવી સત્તા સંભાળી હતી.
તેમના નેતૃત્વમાં કતારે અલ જઝીરા મીડિયા નેટવર્કને વૈશ્વિક ઓળખ અપાવી હતી તેમજ વર્ષ 2022ના ફિફા વર્લ્ડ કપની સફળ યજમાની માટેની તૈયારીમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હમદના નિધન પર શોક વ્યક્ત કરતાં તેમને દૂરંદેશી નેતા અને ભારતના સાચા મિત્ર તરીકે યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે શેખ હમદના નેતૃત્વમાં કતારે વિકાસ અને સમૃદ્ધિના નવા શિખરો સર કર્યા હતા. વડાપ્રધાને ફેબ્રુઆરી 2024માં કતાર પ્રવાસ દરમિયાન તેમની સાથે થયેલી મુલાકાતને પણ યાદ કરી હતી.
Reporter: admin







