ડભોઈ તાલુકાના સિતપુર ગામમાં આવેલ ઐતિહાસિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જોકે, ભારે વરસાદના કારણે મંદિર તરફ જતાં માર્ગો પર પાણી ભરાઈ જતાં ભક્તો અને ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષો જૂના મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર બાદ સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ મંદિર પરિસર અને પહોંચ માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં પૂજા-અર્ચના માટે આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને ગૌરીવ્રત નિમિત્તે પૂજા કરવા જતી નાની બાળાઓ માટે સ્થિતિ વધુ કફોડી બની હતી. રસ્તા પર પાણી ભરાઈ જતાં પગપાળા જવું શક્ય ન હોવાથી ગ્રામજનોએ અને વાલીઓએ બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને મંદિર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે. ધાર્મિક પ્રસંગ દરમિયાન પણ પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, મંદિરના જીર્ણોદ્ધારથી ગામને નવી ઓળખ મળી છે, પરંતુ રસ્તા અને ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Reporter: admin







