News Portal...

Breaking News :

ડભોઈમાં નવા રોડની બેદરકારી આવી સામે; ગટરના ઊંચા-નીચા ઢાંકણાં બન્યા અકસ્માતનું કારણ

2026-07-27 15:20:04
ડભોઈમાં નવા રોડની બેદરકારી આવી સામે; ગટરના ઊંચા-નીચા ઢાંકણાં બન્યા અકસ્માતનું કારણ

ડભોઈ શહેરના સરદાર બાગ વિસ્તારમાં તાજેતરમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલા નવા રોડમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રોડ નિર્માણ દરમિયાન ગટરના ઢાંકણાં રોડના લેવલ સાથે સમતળ કરવામાં ન આવતા વાહનચાલકો માટે આ માર્ગ અકસ્માતનું કેન્દ્ર બની ગયો છે. નવા રોડ પર બે અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડ બનાવતી વખતે ગટર લાઇનના ઢાંકણાં ઊંચા-નીચા જ છોડી દેવામાં આવ્યા છે. જેના કારણે દરરોજ અહીંથી પસાર થતા હજારો બાઈકચાલકો, કારચાલકો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની છે.
રાત્રિના સમયે તેમજ વરસાદ દરમિયાન રોડ પર પાણી ભરાઈ જતાં ગટરના ઢાંકણાં દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો અચાનક સંતુલન ગુમાવી અકસ્માતનો ભોગ બને છે. સ્થાનિકોનું કહેવું છે કે નવો રોડ બન્યાની ખુશી થોડા જ દિવસોમાં નિરાશામાં ફેરવાઈ ગઈ છે.

રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી અને સંબંધિત વિભાગની બેદરકારીના કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે. જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા અને સંબંધિત વિભાગ સમક્ષ ઊંચા-નીચા ગટરના ઢાંકણાં તાત્કાલિક રોડના લેવલ પ્રમાણે સમતળ કરવાની, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની અને માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.

Reporter: admin

Related Post