વડોદરા શહેરમાં અષાઢ માસની શરૂઆત સાથે ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. પુષ્ય નક્ષત્રના વિશેષ સંયોગમાં શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે પરંપરાગત રથોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઠાકોરજીને શણગારેલા ભવ્ય રથમાં બિરાજમાન કરાયા હતા અને વૈષ્ણવ ભક્તોએ ભાવભેર રથયાત્રામાં ભાગ લીધો હતો.
પુષ્ટિ સંપ્રદાયની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન તિથિ કરતાં નક્ષત્રને આધારે કરવામાં આવે છે. અષાઢ સુદ એકમના દિવસે આખો દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી શ્રી વિઠ્ઠલનાથજી મંદિર સહિત શહેરની વિવિધ વૈષ્ણવ હવેલીઓમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો હતો. બીજી તરફ, જગન્નાથજી મંદિરમાં તિથિનું મહત્વ હોવાથી અષાઢી બીજના દિવસે પરંપરાગત રથયાત્રા યોજાશે.
આ પ્રસંગે ધર્માચાર્યોએ જણાવ્યું હતું કે ભગવાનનો રથ ખેંચતી વખતે નામસ્મરણ અથવા ગુરુમંત્રનો જાપ કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આ શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં ભક્તોએ રથ ખેંચી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અષાઢી બીજના પાવન અવસરે કચ્છી સમાજના ભાઈ-બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક વાતાવરણમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
Reporter: admin







