News Portal...

Breaking News :

SBIને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹24,113 કરોડનો નફો, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 15% વધીને ₹46,992 કરોડ

2026-08-08 11:51:19
SBIને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹24,113 કરોડનો નફો, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 15% વધીને ₹46,992 કરોડ

 દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં બેંકનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13.73 ટકા વધીને ₹24,113 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં બેંકનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ₹21,201.47 કરોડ રહ્યો હતો.

બેંકનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ પણ 10.23 ટકા વધીને ₹21,121.22 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં આ આંકડો ₹19,160.44 કરોડ હતો. 

નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 15 ટકાનો વધારો

SBIની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 15 ટકા વધીને ₹46,992 કરોડ થઈ છે. જોકે, બેંકનો ઘરેલુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) ઘટીને 3 ટકા રહ્યો છે. અગાઉના ત્રિમાસિકની સરખામણીએ NIMમાં 0.07 ટકાનો વધારો નોંધાયો છે.

GNPA ઘટીને 1.47 ટકા થયો

બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે. 30 જૂન 2026ના રોજ SBIનો ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) રેશિયો ઘટીને 1.47 ટકા રહ્યો છે. માર્ચ 2026માં આ આંકડો 1.49 ટકા અને એક વર્ષ અગાઉ 1.83 ટકા હતો.
જ્યારે ફસાયેલા દેવા (NPA) માટેની જોગવાઈ ઘટીને ₹3,359 કરોડ રહી છે. ગયા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં આ જોગવાઈ ₹4,934 કરોડ હતી.

લોન વૃદ્ધિનું લક્ષ્ય 14-15 ટકા

SBIના ચેરમેન સી.એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે નાણાકીય વર્ષ 2026-27માં લોન વૃદ્ધિને 14-15 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે 10-11 ટકા ડિપોઝિટ વૃદ્ધિ પૂરતી રહેવાની અપેક્ષા છે.

તેમણે જણાવ્યું કે બેંકે FCNR-B યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 6 અબજ ડોલર એકત્ર કર્યા છે અને સપ્ટેમ્બરમાં યોજના પૂર્ણ થાય ત્યાં સુધી આ રકમ વધીને 10 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.

SBIના શેરમાં તેજી
શુક્રવારે BSE પર SBIના શેરમાં 1.03 ટકાની તેજી નોંધાઈ અને શેર ₹1,096.05ના ભાવે બંધ થયો. દિવસ દરમિયાન શેરનો ભાવ ₹1,124.40 સુધી પહોંચ્યો હતો. BSEના આંકડા મુજબ SBIના શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ₹1,234.80 અને નીચો ભાવ ₹790.10 રહ્યો છે.

Reporter: admin

Related Post