કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના રાષ્ટ્રીય રેકોર્ડધારક સર્વેશ કુશારેએ પુરુષ હાઇ જમ્પ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. 31 વર્ષીય સર્વેશે 2.25 મીટરની સફળ છલાંગ લગાવી ભારતને આ સ્પર્ધામાં પ્રથમ વખત રજત ચંદ્રક અપાવ્યો છે.
ફાઇનલમાં સર્વેશ કુશારે અને જમૈકાના રોમેન બેકફોર્ડ બંનેએ 2.25 મીટરની ઊંચાઈ સફળતાપૂર્વક પાર કરી હતી. જોકે 2.28 મીટરની ઊંચાઈ બંને પાર કરી શક્યા નહોતા. કાઉન્ટબેક નિયમ મુજબ બેકફોર્ડના નિષ્ફળ પ્રયાસો ઓછા હોવાથી તેમને સુવર્ણ ચંદ્રક મળ્યો, જ્યારે સર્વેશે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. ઇંગ્લેન્ડના જેક કિમાનીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દેવગાંવના રહેવાસી સર્વેશ કુશારેનો સફર સંઘર્ષોથી ભરેલો રહ્યો છે. તેમના પિતા ડુંગળીની ખેતી કરે છે. બાળપણમાં યોગ્ય સુવિધાઓ ન હોવાથી તેમના પિતા અને પ્રથમ કોચે મકાઈના છોડ, કપાસ અને ખેતરમાં ઉપલબ્ધ સામગ્રીથી અસ્થાયી લેન્ડિંગ પિટ બનાવી તેમને હાઇ જમ્પની તાલીમ અપાવી હતી.
Reporter: admin







