ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના વેઇટલિફ્ટર ઋષિકાંત સિંહે શાનદાર પ્રદર્શન કરીને પુરુષોની 60 કિલોગ્રામ વજન વર્ગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. ઋષિકાંતે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવીને બીજા સ્થાને સ્થાન મેળવ્યું, જ્યારે સ્નેચ વિભાગમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
ઋષિકાંતે સ્નેચમાં ત્રણેય પ્રયાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. પ્રથમ પ્રયાસમાં 118 કિલોગ્રામ, બીજા પ્રયાસમાં 119 કિલોગ્રામ અને ત્રીજા પ્રયાસમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી તેમણે ગેમ્સનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં 143 કિલોગ્રામ વજન ઉઠાવતા તેમનો કુલ સ્કોર 264 કિલોગ્રામ રહ્યો. જોકે, તેઓ મલેશિયાના બિન કસદાન અનિક કરતાં કુલ 9 કિલોગ્રામ પાછળ રહ્યા અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
આ સિદ્ધિ સાથે ઋષિકાંત સિંહ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર મણિપુરના પ્રથમ પુરુષ વેઇટલિફ્ટર બન્યા છે. તેમની આ ઐતિહાસિક સફળતાને લઈને સમગ્ર દેશમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને રમતગમત જગત તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે આ બીજો મેડલ છે. આ પહેલા ઝંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
ઋષિકાંત સિંહના આ શાનદાર પ્રદર્શનથી ભારતની મેડલ સંખ્યામાં વધારો થયો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વેઇટલિફ્ટિંગની તાકાત ફરી એકવાર સાબિત થઈ છે. તેમની સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.
Reporter: admin







