News Portal...

Breaking News :

ઉદ્ઘાટનના માત્ર 14 દિવસમાં જ ધસી લકનૌ-કાનપુર એક્સપ્રેસવેની સડક, ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

2026-07-26 17:14:37
ઉદ્ઘાટનના માત્ર 14 દિવસમાં જ ધસી લકનૌ-કાનપુર એક્સપ્રેસવેની સડક, ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

ઉન્નાવ: અંદાજે ₹4,200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા લકનૌ-કાનપુર એક્સપ્રેસવે પર ઉદ્ઘાટનના માત્ર 14 દિવસ બાદ જ સડક ધસી જવાની ઘટના સામે આવી છે. ઉન્નાવ જિલ્લાના કોરારી નજીક એક્સપ્રેસવે પર બે સ્થળોએ સડક ધસી જતા લાંબા અને ઊંડા ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. ઘટનાને પગલે માર્ગના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

માહિતી મુજબ, 13 જુલાઈએ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રવિવારે ઉન્નાવથી લકનૌ તરફ જતી લેનમાં કોરારી નજીક આશરે 30 ફૂટ જેટલો માર્ગ ધસી ગયો હતો. ઉપરાંત ટોલ પ્લાઝાથી લગભગ એક કિલોમીટર અગાઉ પણ આશરે 8 ફૂટ જેટલી સડક ધસી જવાની ઘટના સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વાહનચાલકોને સાવચેતીપૂર્વક પસાર થવા સૂચના આપવામાં આવી છે.
નિર્માણ એજન્સી પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નુકસાનગ્રસ્ત ભાગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. એક્સપ્રેસવેના ગ્રીનફિલ્ડ સેક્શનના કિલોમીટર નંબર 64.200 નજીક ઘણા મીટર સુધી ડામર સંપૂર્ણપણે ઉખડી ગયો હોવાનું સામે આવ્યું છે. સતત વરસાદને કારણે 45 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ માર્ગના અનેક સ્થળોએ પણ ડામર ઉખડ્યાની ફરિયાદો મળી રહી છે.

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા આ એક્સપ્રેસવેના નિર્માણમાં પ્રથમ વખત ઓટોમેટેડ ઇન્ટેલિજન્સ મશીન ગાઇડેડ કન્સ્ટ્રક્શન (AIMGC) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકા અને જર્મની બાદ ભારત પ્રથમ વખત આ ટેકનોલોજી અપનાવનાર દેશ હોવાનું જણાવાયું હતું. જોકે, પ્રથમ જ વરસાદમાં માર્ગને નુકસાન થતાં બાંધકામની ગુણવત્તા અને ટેકનોલોજીની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની તેમજ જવાબદાર એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Reporter: admin

Related Post