News Portal...

Breaking News :

ઋષભ પંતે ઉત્તરાખંડમાં જમીનની માંગ કરી, CM પુષ્કર ધામીએ મદદની ખાતરી આપી

2026-08-08 12:13:28
ઋષભ પંતે ઉત્તરાખંડમાં જમીનની માંગ કરી, CM પુષ્કર ધામીએ મદદની ખાતરી આપી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ઉત્તરાખંડમાં સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પાસે ઉત્તરાખંડમાં જમીન મેળવવા માટે મદદની અપીલ કરી છે. પંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ દિલ્હીથી ઉત્તરાખંડ શિફ્ટ થવા માંગે છે, પરંતુ રહેવા માટે યોગ્ય જમીન મળી રહી નથી.

પંતે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ લાંબા સમયથી ઉત્તરાખંડમાં જમીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને આ મામલે મદદ કરવાની અપીલ કરતા કહ્યું કે તેઓ પોતાના રાજ્યમાં ઘર બનાવીને રહેવા માંગે છે અને ઉત્તરાખંડના લોકો સાથે જોડાઈને કામ કરવા માંગે છે.

પંતે ‘ગિફ્ટ’ મળવાની પણ વ્યક્ત કરી ઇચ્છા

ઋષભ પંતે પોતાની અન્ય એક પોસ્ટમાં જણાવ્યું કે પોતાના રાજ્યનું દેશના ઉચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવા બદલ ગિફ્ટ મળે તો સારું રહેશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જરૂર પડે તો તેઓ સરકાર પાસેથી જમીન ખરીદવા માટે પણ તૈયાર છે.
પંતે જણાવ્યું કે તેમને ઉત્તરાખંડ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને તેઓ પોતાના રાજ્યમાં ઘર બનાવવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે જમીન મેળવવા માટે તેમનો પ્રયાસ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે.

CM ધામીએ આપી મદદની ખાતરી

ઋષભ પંતની પોસ્ટનો જવાબ આપતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમને ઉત્તરાખંડનું ગૌરવ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પંતે પોતાના શાનદાર રમત પ્રદર્શન અને સિદ્ધિઓથી દેશ-દુનિયામાં દેવભૂમિ ઉત્તરાખંડનું નામ રોશન કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પોતાની માતૃભૂમિ પ્રત્યે પંતનો પ્રેમ અને ઉત્તરાખંડ પરત આવીને યોગદાન આપવાની તેમની ભાવના પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું કે પંત દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે અને અધિકારીઓ ટૂંક સમયમાં પંતનો સંપર્ક કરીને નિયમ મુજબ શક્ય તમામ સહયોગ સુનિશ્ચિત કરશે.
ઋષભ પંત હાલમાં ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં ટીમ ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

Reporter: admin

Related Post