મુંબઈ: ભારતમાં નોકરિયાતોએ નોકરી ગુમાવવાનો વારો નથી આવ્યો એવું નથી. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 42,000 કર્મચારીઓની છટણી કરી છે. આમાંથી રિલાયન્સ રિટેલમાં જ 38,000 કર્મચારીઓ ઓછા કરવામાં આવ્યા છે.
કંપનીનું કહેવું છે કે આ નિર્ણય કોસ્ટ મેનેજમેન્ટ અને રિક્રુટમેન્ટ રિડક્શન પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. કંપની હવે તેની નવી વ્યૂહરચના સાથે આગળ વધી રહી છે, જેમાં રિટેલ બિઝનેસ પર મહત્તમ ભાર આપવામાં આવી રહ્યો છે. કંપનીમાં નવી ભરતીની સંખ્યામાં પણ એક તૃતિયાંશથી વધુનો ઘટાડો થયો છે, એવી કંપનીના વાર્ષિક અહેવાલમાં માહિતી આપવામાં આવી છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન તેના કર્મચારીઓની સંખ્યામાં 11% એટલે કે 42,000 લોકોનો ઘટાડો કર્યો છે. તેના રિટેલ સેગમેન્ટમાં કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 2023-24માં કુલ કર્મચારીઓની સંખ્યા માત્ર 347,000 હતી, જ્યારે 2022-23માં કર્મચારીઓની સંખ્યા 389,000 હતી.
આમ એક વર્ષમાં રિલાયન્સમાં કર્મચારીઓની સંખ્યામાં 42,000 લોકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીના નવા વાર્ષિક અહેવાલ મુજબ, નવી ભરતીની સંખ્યા પણ ત્રીજા ભાગથી ઘટીને 170,000 થઈ ગઈ છે. રિલાયન્સના રિટેલ ડિવિઝનમાં 2023-24 દરમિયાન કર્મચારીઓની સંખ્યા 207,000 હતી, જે અગાઉના વર્ષમાં 245,000 હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેમના રિટેલ સેક્ટરમાં સ્ટોર્સ કોઈ નોંધપાત્ર નફો કરી રહ્યા નથી. કંપની હવે રિટેલ સેક્ટરમાં ઓનલાઈન બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. તેથી તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.Jio એ તેના કર્મચારીઓની સંખ્યા 2023-24માં ઘટાડીને 90,000 કરી નાખી છે, જે અગાઉના વર્ષે 95,000 હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જૂન ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં પાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રૂપનો ચોખ્ખો નફો રૂ. 15,138 કરોડ અથવા શેર દીઠ રૂ. 22.37 હતો, જે અગાઉના વર્ષના આ જ સમયગાળામાં રૂ. 16,011 કરોડ અથવા શેર દીઠ રૂ. 23.66 હતો.
Reporter: admin