મારા ઘર ઉદ્યાન રેખા વાટિકામાં ઓરેન્જ કે નારંગી અથવા સમર એટલે કે ઉનાળુ લીલીના ફૂલ ખીલ્યાં છે.એને પાંદડાં વગરની ડાળીનું ફૂલ પણ કહેવામાં આવે છે.કારણ કે એ કુંડામાં થી વાંસના ફણગાની જેમ ફૂટતી સીધી લંબગોળ અને પોલી ડાળીની ટોચ પર લાગે છે.આ દંડિકા પર કોઈ પાંદડું હોતું નથી.હા,એના કંદમાં થી લાંબા લાંબા પાંદડાં ફૂટે છે ખરા.આખું વર્ષ ફૂટે છે.પણ ફૂલ એના પર લાગતા નથી.ફૂલ તો એકડન્ડિયા મહેલ જેવી સીધી સોટાની માફક માથું ઊંચું કરતી દાંડી પર જ લાગે છે.મારા સમર લીલીના ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે.કદાચ એમાં એવી બાયો કલોક સેટ છે કે ઢળતા એપ્રિલમાં જ ફૂલ ખીલે છે.બીજો એક રેઇન લિલીનો છોડ હતો જેમાં ફૂલ મોટેભાગે ચોમાસામાં જ ખીલે.જો કે એ ક્યારેક ભૂલું પડતું અને કમોસમી માવઠામાં ફૂલ ખીલવી દેતું.એને બાપડાને કલાઈમેટ ચેંજની ઉપાધિ ની ખબર જ ન હતી.કમનસીબે અમારી વડોદરાથી લગભગ ૮ થી ૧૦ મહિનાની ગેર હાજરીમાં એ મરી ગયું.વિદેશ પ્રવાસના લાભમાં મને ત્રણ ગુલાબના છોડ, રેન લીલી અને પારિજાતનું હરિયાળું નુકશાન થયું.
સમર લીલી એક દાંડી પર સામસામી દિશામાં બે ફૂલની જોડમાં ખીલે છે.હું એને યુગલ ફૂલ કહું છું.છેલ્લે ૨૦૨૨ ના એપ્રિલમાં આ ફૂલોને ખીલેલા જોયા હતા.૨૦૨૩માં એ ખીલ્યાં તો હશે પણ અમે મળી ન શક્યા.એટલે લગભગ બે વર્ષ પછી આ ખીલેલા ફૂલોને જોઈને વિખૂટા પડેલા સ્વજનને મળવા જેવી લાગણી થઈ.તેની સાથે અત્યારે એડેનિયમ મોજમાં આવ્યા છે.ઉનાળા સાથે એને પણ વધુ ફાવે છે.એને ડેઝર્ટ રોઝ પણ કહે છે એટલે કદાચ આ પ્રજાતિને વસંત નહિ પણ તપતા ચૈતર વૈશાખ વધુ ગમે છે.આમ તો એના પર બારેમાસ ફૂલો ખીલે છે.અત્યારે એના પાંદડાઓ કલોરિફિલ થી છલકાય છે. એનો છલકતો અને ચળકતો લીલો રંગ આંખો બાળતી ગરમીમાં ઠંડક આપે છે.આ પ્રજાતિમાં પ્રત્યેક છોડ પર જુદા જુદા મોહક રંગના ફૂલો બેસે છે.આ સજાવટી વનસ્પતી છે એટલે કે બગીચાને શોભાવે છે.કુદરતનું આ રૂપ મુગ્ધ કરે છે.એને જોઈને કવિ હૃદયમાં પંક્તિઓ ફૂટી નીકળે છે...લીલા લીલા પાંદડાં ને લાલ લાલ ફૂલ..કુદરત જો રીઝે તો મહેનત વસૂલ...
Reporter: News Plus