News Portal...

Breaking News :

પાલિકાની ભરતીમાં રાણાજીની મનમાની

2025-02-28 11:04:01
પાલિકાની ભરતીમાં રાણાજીની મનમાની


વડોદરા કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં જે રીતે નિયમોને ગીરવે મુકી દેવાયા છે તે જોતાં પાલિકાની અન્ય ભરતીઓમાં પણ હવે શંકા ઉભી થવા માડી છે. જે ઉમેદવારો પાસે યોગ્ય લાયકાત કે અનુભવ નથી તેવા ઉમેદવારોને ક્યા નિયમોના આધારે ભરતી કરી દેવાયા છે તેનો કોઇ જવાબ કમિશનર રાણાજી પાસે નથી. ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ થઇ છે અને તેની ઉંડી તપાસથવી જરુરી છે. કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસરની ભરતીનો વિવાદ કે પછી પીએ ટુ કમિશનરની ભરતી હોય બંને જગ્યા પર મોટા ગોટાળા થયા હોવાની ચર્ચા પાલિકા વર્તુળોમાં ચાલી રહ્યા છે. નવાઇની વાત એ છે કે પાલિકામાં ઇલેકટ્રીકલ , મિકેનિલ વિભાગમાં જે એન્જિનિયરોની ભરતી થાય છે તેમાં ભરતી લેવા પરીક્ષા લેવાય છે અને મેરિટ મુજબ પસંદગીનું નાટક કરાય છે પણ સિવીલ વિભાગમાં જે એન્જિનયરની ભરતી થાય છે તેમાં કોર્પોરેશનના હંગામી કર્મચારીઓને 50 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યું છે જે તદ્દન ગેરકાયદેસર છે. જો તમે સિવીલ વિભાગના પાલિકાના હંગામી કર્મચારીઓને 50 ટકા અનામતનો લાભ આપો છો તો ઇલેકટ્રીકલ અને મિકેનીકલ વિભાગના હંગામી કર્મચારીઓને આ લાભ કેમ અપાતો નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ, જો તમારે આ રીતે જ લેવાના હોય તો પછી ભરતીનું નાટક શા માટે કરો છો. તમામ ભરતીમાં પરીક્ષાનું નાટક તો કરાય છે પણ છેલ્લે રાણાજી નક્કી કરે તે જ ઉમેદવારની પસંદગી થાય છે. તમે સિવીલમાં 50 ટકા પાલિકાના હંગામી કર્મચારીઓની ભરતી કરો છો તો સિવીલમાં જ રહેલા વર્ષોનો અનુભવ ધરાવતા કાયમી કર્મચારીને આ પોસ્ટ પર પ્રમોશન કેમ આપતા નથી તેનો જવાબ રાણાજીએ આપવો જોઇએ. ભરતી કૌંભાડ ઉજાગર થયા બાદ પાલિકામાં વાયરલ થયેલી પત્રિકામાં જણાવાયું છે કે કોર્પોરેશનનો સામાન્ય વહિવટ વિભાગ, કમિશનર, સ્થાયી સમિતી ચોક્કસ માનીતાઓને ફાયદો કરાવવા માટે સરકારના ધારાધોરણો કરતા વિરુદ્ધ ભરતીના નિયમો બનાવી ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે અને આ બધાના કારણે જ આજે વડોદરા સુરત અને અમદાવાદથી પાછળ છે. જેનો ભોગ પ્રજા અને લાયક ઉમેદવારને ભોગવવો પડે છે. ખરેખતો જીપીએમસીના કાયદા મુજબ ભરતીના નિયમો રાજ્ય સરકાર સાથે સુસંગત હોય તે મુજબના અને રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ જ બદલી શકાય છે છતાં કોર્પોરેશન પોતાના માનીતાઓને ફાયદો કરાવવા તેનું છડેચોક ઉલ્લંઘન કરે છે. સીધી ભરતીમાં આવું અંદરના લાગતા વળતાનું નિયમ વિરુદ્ધનું આરક્ષણ દુર કરી તમામને સીધી ભરતીની 100 ટકા જગ્યાઓ માટે સ્પર્ધા કરવાનો મોકો મળે તે માટે આ અનામત દુર કરવી જોઇએ અને મનસ્વીપણે સત્તાનો દુરપયોગ કરવાવાળા પર કડક પગલાં લેવાવા જોઇએ.



કમિશનર રાણાજી જવાબ આપવાથી ભાગી રહ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી જ્યારે પીએ ટુ કમિશનરની ભરતીનો વિવાદ ચગ્યો છે, કમિશનર રાણાજીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. તેઓ ક્યા આધારે આ ભરતી થઇ છે તેનો જવાબ આપવાથી ભાગી રહ્યા છે. તેમણે વડોદરાની જનતાને આ જવાબ આપવો જોઇએ કે ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતી પાલિકાના ક્યા નિયમોને આધીન કરવામાં આવી છે કારણ કે વડોદરાવાસીઓ જ પાલિકાના અસલી માલિક છે. કમિશનર રાણાજી નહી...તેઓ એમ સમજે છે કે હું જ વડોદરાનો અને પાલિકાનો અસલી રાણાજી છું પણ તેઓએ સમજી લેવું જોઇએ કે હવે લોકશાહી છે અને લોકો જ કોર્પોરેશનના અસલી માલિક છે અને તમે અને અન્ય અધિકારીઓ લોકોના પગારદાર છો. 10 દિવસથી હજું પણ પ્રમાણપત્રોની ખરાઇ કરાઇ નથી.ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ કઇ કોલેજમાં ભણેલા છે અને કેવી રીતે ભણેલા છે તેનો સનસનીખેજ પર્દાફાશ અમે અગાઉ કરેલો હતો અને ત્યારે કમિશનર રાણાજીએ એવું કહ્યું હતું કે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલના દસ્તાવેજો અને પ્રમાણપત્રોની ખરાઇ કરાશે. જો કે આ વાતને 10 દિવસ કરતા વધુ સમય થઇ ગયો પણ પાલિકાના કર્મનિષ્ઠ અને કર્મશીલ અધિકારીઓ પ્રમાણપત્રો કે દસ્તાવેજોની ખરાઇ કરી શક્યા નથી. અને એટલે જ બંને ભરતીમાં આખી દાળ કાળી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે ચીફ ફાયર ઓફિસરની ભરતી બહાર પડી, ત્યારે તેઓ વડોદરા ના અને ગુજરાતના નહીં પરંતુ મહારાષ્ટમાંથી કર્મચારી લઈ આવ્યા છે. આ કેસમાં તેઓ ફાયર ના જ અનુભવી કર્મચારીને પ્રમોશન આપીને ફાયર ઓફિસર બનાવી શકત. જો કોઇ કર્મચારી પાલિકામાં કાયમી છે અને અનુભવી છે  તો તેઓને પ્રમોશન આપવું જોઈએ.તેવી સ્પષ્ટ લાગણી પાલિકાના કર્મચારીઓમાં જોવા મળી રહી છે.



અનુભવ વગરના ચીફ ફાયર ઓફિસરની બોલતી બંધ થઇ ગઇ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલની નિમણુંક પણ વિવાદોના ઘેરામાં છે. તેઓ આરઆર મુજબ યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા જ નથી. પાલિકાની સામાન્ય સભાએ પણ મનોજ પાટીલની નિમણુકની કમિશનરે કરેલી દરખાસ્તને નામંજુર કરી દીધી હતી પણ ત્યારબાદ એવું કંઇક થયું કે સામાન્ય સભાએ પણ બહાલી આપી હતી. પરંતુ પાલિકાના આરઆર મુજબ નિયમોનો ભંગ કરનારા મનોજ પાટીલને અત્યાર સુધી કમિશનર રાણાજીએ કેમ ડિસ્ક્વોલીફાઇ કર્યા નથી તેવો સવાલ શહેરભરમાં પુછાઇ રહ્યો છે. હવે તો ચીફ ફાયર ઓફિસર પણ ખુલ્લામાં આવીને જવાબ આપી શકે તેવી સ્થીતીમાં નથી કે તેમણે ક્યારે કઇ કોલેજમાંથી અભ્યાસ કરેલો છે અને પાલિકાના નિયમ મુજબ ફાયર ક્ષેત્રે કોઇ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં કેટલા વર્ષનો તેમને અનુભવ છે. અનુભવ વગરના ચીફ ફાયર ઓફિસરની બોલતી બંધ થઇ ગઇ છે

વડોદરામાં સુરત જેવી ઘટના બને તો ચીફ ફાયર ઓફિસરનો અનુભવ કામ લાગશે. વડોદરાવાસીઓએ જાણવું જરુરી છે કે સુરતમાં બુધવારે સવારે 7 વાગ્યે શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે ધીમે ધીમે સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઇ ગઇ હતી. મંગળવારે સાંજે તો આ આગમાં 1 વ્યક્તિનું ગૂંગળામણથી મોત થયું હતું અને બુધવારે સવારે ફરી આગ લાગી હતી જે ગુરુવારે બપોર સુધી 30 કલાક સુધી આગ બુઝાવી શકાઇ હતી. આગ એટલી ખતરનાક હતી કે ફાયર બ્રિગેડને આગ બુઝાવતા નાકે દમ આવી ગયો હતો. રખેને વડોદરામાં આવી ઘટના બને તો આપણા બિનઅનુભવી લાયકાત વગરના ચીફ ફાયરઓફિસર શું કરશે તે સવાલનો જવાબ મેળવતાજ ધ્રુજી જવાય છે. કમિશનર રાણાજીએ આનો જવાબ આપવો જોઇએ.

Reporter: admin

Related Post