News Portal...

Breaking News :

વિદેશી જાતોને દેશી સિદ્ધિની તરફ દોરી રહેલા રાકેશભાઈ પટેલ

2025-06-18 17:07:00
વિદેશી જાતોને દેશી સિદ્ધિની તરફ દોરી રહેલા રાકેશભાઈ પટેલ


મલેશિયન સફેદ જાંબુનો સફળ પ્રયોગ વડોદરાની ધરતી પર, બજારમાં વેચાય છે 400 રૂપિયે કિલો.

વડોદરા નજીક આવેલ કરજણ તાલુકાના વેમાર ગામની ધરતી સાથે પ્રેમપૂર્વક સંવાદ કરતા એક પ્રાયોગિક ખેડૂત રાકેશભાઈ પટેલ, આજના સમયમાં આધુનિક ખેતીના અનોખા પ્રતીક બની રહ્યા છે. મૂળથી એન્જિનિયર અને વ્યવસાયે કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈએ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરીને એ વાત સાબિત કરી છે કે ધરતી સાથેનો સંબંધ જ્યાં હ્રદયથી હોય ત્યાં સફળતા તો નિશ્ચિત છે.રાકેશભાઈ પટેલ પોતાના 45 એકર વિસ્તારના ખેતરમાં વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે – કેરી, પપૈયા, લાલ કેળા, ચીકુ, તરબૂચ, સરગવો, મોસંબી, જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા ફળો (મલ્ટીક્રોપ). પરંતુ હાલમાં તેમની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને સૌની નજર ખેંચી લેનાર ખેતી છે – "સફેદ જાંબુની". તદુપરાંત ગૌશાળામાં 18 ગાય છે, જેનાથી તેઓને ગાય આધારિત ખેતી કરવામાં સરળતા રહી. 



મલેશિયાથી લાવેલા દુર્લભ સફેદ જાંબુ : વેમારથી દુબઈ સુધીનો સફર
ચાર વર્ષ અગાઉ મલેશિયા પ્રવાસ દરમિયાન રાકેશભાઈએ ત્યાંના એક અનોખા પ્રકારના સફેદ જાંબુ જોઈ અને તરત જ વિચારી લીધું – “આ તો મારી ધરતી પર પણ ઉગાડી શકાય!” તેઓ 16 રોપા લાવ્યા અને કુદરતી પદ્ધતિથી પોતાના ખેતરમાં તેની શરૂઆત કરી. આજે સળંગ બીજા વર્ષે તેઓએ 12 વૃક્ષોમાંથી ઊપજ મેળવી રહ્યા છે – જે દુબઈ, મુંબઈ અને સુરતના માર્કેટ સુધી પહોંચી છે.સફેદ જાંબુની વિશિષ્ટતા એ છે કે તેનો સ્વાદ શરૂમાં મીઠો અને અંતે ઝળહળતો તીખાશવાળો હોય છે – એક અનોખા રસના સંગમ જે ભારતીય બજારમાં સરળતાથી જોવા મળે નહીં. આજની તારીખે તેનું વેચાણ દર કિલોગ્રામે ₹400 ના ભાવે થાય છે, જે ખેડૂત માટે નફાકારક સાબિત થયું છે. રાકેશભાઈ કહે છે, "ગયા વર્ષે 75 કિલો ઉપજ મળી હતી અને આ વર્ષે આશા છે કે દરેક ઝાડ પરથી લગભગ 20 કિલો મળશે." આ ફળ માત્ર સ્થાનિક બજાર સુધી મર્યાદિત નહીં રહી, વિદેશી નિકાસમાં પણ તેનું સ્થાન મળવું એ પોતાનામાં એક મોટી સિદ્ધિ ગણાય.

લાલ કેળા અને થાઈલેન્ડની ફળજાતો સુધી પહોંચ
રાકેશભાઈએ લાલ કેળાની પણ ગતવર્ષે સફળ ખેતી કરી હતી – જે દક્ષિણ ભારતની ખાસ જાત છે. તેમણે તેના ટીશ્યૂ કલ્ચર વડે એક એકર જમીનમાં ઉત્પન્ન કર્યા હતા.તે ઉપરાંત તેઓ થાઈલેન્ડથી લાવેલી જેકફ્રૂટની જાત તેમજ પાઇપલાઇનમાં રહેલી બ્લુબેરી, દ્રાક્ષ જેવી જાતો પણ અજમાવી રહ્યા છે. તેમનું કહેવું છે, “પ્રત્યેક વર્ષ હું કંઈક નવું અજમાવું છું. કુદરતી ખેતીમાં જે આનંદ છે તે કોઈ અન્ય ખેતી પદ્ધતિમાં નથી.”



મધમાખીઓથી લઈને નેપિયર ઘાસ સુધી
કુદરતી ખેતી સાથે સાથે રાકેશભાઈએ મધમાખી પાલન પણ શરૂ કર્યું છે. ખાસ કરીને ટ્રાયગોના જાતિ, જે ડંખ વગરની છે અને તેનું મધ ₹4500 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. તેઓના ખેતરમાં વપરાતા ત્રણ જાતના નેપિયર ઘાસ પશુઓના ચારામાં ઉપયોગી છે.રાકેશભાઈનું ખેડૂત જીવન માત્ર ઉગાડવાની પ્રક્રિયા નથી – એ તો ધરતી અને મનુષ્ય વચ્ચેનું એક સંતુલિત સંબંધ છે. એ કૃષિમાં પ્રયોગ કરે છે, પરંપરાને નવતરતા સાથે જોડે છે અને ગ્રાહકોને આરોગ્યદાયક અને શુદ્ધ ખોરાક આપી સમાજમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવે છે. તેમના પુત્ર તપસ્વી પટેલ પણ હવે ખેતીમાં જોડાઈ ચૂક્યા છે – જે દર્શાવે છે કે આ સંવાદ હવે એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધી રહ્યો છે.રાકેશભાઈ પટેલનો સફેદ જાંબુ તરફનો અભિગમ એ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે, જ્યાં એક એન્જિનિયર પોતાની ધરતી સાથેનો સંબંધ શોધે છે અને એ સંબંધ દ્વારા દેશ અને વિદેશના બજાર સુધી પોતાની ઓળખ બનાવે છે. જ્યારે થતી હોય અનોખી ખેતી – ત્યારે ઊગે છે સફળતાની સફેદ પાંખો જેવા સફેદ જાંબુ.

Reporter:

Related Post