ઉંચા ભાવના ભાવપત્રકો રજૂ કરીને વડોદરાવાસીઓને લૂંટી રહેલા કોન્ટ્રાક્ટરોની 2 ઉંચા ભાવે કામ કરવાની દરખાસ્તને શુક્રવારે મળેલી સ્થાયી સમિતીની બેઠકમાં મંજૂર કરી દેવાઇ છે.
ફરી એક વાર પાલિકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મીલીભગતમાં લોકોના કરોડો રુપિયા સેરવી લેવાનો કારસો રચી રહ્યા છે અને તેમાં તે સફળ પણ થઇ ગયા છે. પાલિકાના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉંચા ભાવે કામગિરી કરવાના ટેન્ડર પાસ કરાવી લે છે પણ આખરે તે કામ ગુણવત્તાસભર હોતા નથી તેવા અનેક દાખલા ભુતકાળમાં જોવા મળેલા છે અને આમ છતાં પાલિકાના અધિકારીઓ ઉંચા ભાવના ટેન્ડરો પાસ કરાવામાં ભારે રસ લે છે અને જેનો બોજો વડોદરાના નાગરિકો પર પડે છે.
સ્થાયી સમિતીમાં જે દરખાસ્ત કરાઇ છે તે મુજબ વોર્ડ નંબર 2 સમા સાવલી કેનાલ નીચે 1354 મીમી વ્યાસની પાણીની લાઇન પર જરુરી વાલ્વ બેસાડી કાર્યરત કરવાના કામે કોન્ટ્રાક્ટર આકાર કન્સ્ટ્રક્શનના મૂળ અંદાજીત રકમ 1035780819 રુપિયાથી16.69 ટકા વધુ મુજબના 12086675 તથા જીએસટીના આઇટેમ રેટ ભાવપત્રને મંજૂરી આપવા જણાવાયું છે. આ સાથે રસ્તા શાખા માટે વાર્ષિક ઇજારાથી સુકેત પથ્થર પેવીંગ, વોટર ટેબલ તથા કર્બિંગ માટે ખરીદવાના કામે ઇજારદાર શ્રીનાથજી કોર્પોરેશનના અંદાજીત રકમ કરતા 22 ટકાથી વધુના પર્સેન્ટેજ રેટ 18467828 ના ભાવપત્રને મંજૂર કરવા માટે કમિશનરે પાલિકા સમક્ષ દરખાસ્ત કરી છે. આ બંને દરખાસ્તને શુક્રવારે મળેલી સ્થાયીની બેઠકમાં મંજૂર કરી દેવાઇ છે.
Reporter: admin