વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નું બજેટ બનાવાની પ્રક્રિયા શરુ કરાઇ છે. જો કે આ પ્રક્રિયામાં લોકો પણ સહભાગી બને તે માટે લોકો પાસેથી જ સૂચન મંગાવામાં આવ્યા છે.
શહેરના નાગરીકોને શહેરના વિકાસ માટે જે નક્કર સૂચન કરવા હોય તે પાલિકાને કરી શકે છે. નાગરીકો પાસેથી મંગાવાયેલા સૂચનોનો અભ્યાસ કરીને તે કામોનો પણ બજેટમાં સમાવેશ કરી શકાય તે માટે આ સમગ્ર પ્રક્રિયા શરુ કરાઇ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના બજેટના ભાગરૂપે PARTICIPATORY BUDGET ને પ્રોત્સાહન મળી રહે તે માટે શહેરના નાગરિકો પાસેથી તેમના વિસ્તારને સ્પર્શતા કામો અંગેના સૂચનો મંગાવવામાં આવે છે. જેથી શહેરીજનો તેમના સૂચનો તારીખ 26.01.2025 સુધીમાં ઇમેલ એડ્રેસ: VMCBUDGET2526@VMC.GOV.IN ઉપર મોકલી શહેરના વિકાસમાં અમૂલ્ય ફાળો આપવા તથા સહભાગી થવા વિનંતી છે.તેમ પાલિકાની એક યાદીમાં જણાવાયું છે. લોકોને તેમના વિસ્તારમાં ક્યા કામ થવા જોઇએ તેની સૌથી વધુ જાણકારી હોય છે. તેમને પડતી તકલીફોથી તે વાકેફ હોય છે અને તેથી લોકો સીધા જ પાલિકાનો સંપર્ક કરીને પોતાના સૂચનો રજૂ કરે તો પાલિકા આગામી વર્ષના બજેટમાં તે કામોનો સમાવેશ કરી શકે છે.
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સરકાર દ્વારા આ નવતર પ્રયોગ શરુ કરાયો છે અને તેના ભાગરુપે વડોદરાના શહેરીજનો પણ બજેટમાં પોતાના વિસ્તારને સ્પર્શતા કામોના સૂચનો કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરીજનો 26 જાન્યુઆરી સુધી ઇમેઇલ દ્વારા પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદીઓએ રસપ્રદ સૂચનો કર્યા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ અમદાવાદીઓ પાસેથી બજેટ માટે સૂચનો માંગવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના શહેરીજનોએ પાલિકા સમક્ષ રસપ્રદ સૂચનો કર્યા હતા. જેમાં મ્યુનિ.તંત્રને મળેલા સુચનોમાં ચાર વર્ષ થવા આવ્યા છતાં મોટાભાગના કોર્પોરેટરો તેમના વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેતા નથી. વોર્ડના કોર્પોરેટરો લોકો સાથે સંપર્કમાં રહે તેવુ કંઈ આયોજન કરો તો સારુ. તેવા સૂચનો લોકોએ કર્યા હતા. કુલ ૨૯૫૧ સુચન પૈકી ૬૯ ટકા સુચન લોકોએ પ્રાથમિક સુવિધા માટે કર્યા હતા. લોકોએ કરેલા સુચનમાં પ્રોપર્ટીટેકસના મ્યુનિ.તરફથી આપવામા આવતા બીલની પાછળ ટેકસની આવક-જાવકનો હિસાબ તથા વાર્ષિક અહેવાલ આપવાનુ સુચન કર્યુ છે.મ્યુનિ.તરફથી કરવામાં આવતી પ્રોપર્ટી ટેકસની વસૂલાત મુજબ ચાર કેટેગરીમાં વહેંચી લોકોને પ્રાથમિક સુવિધામાં પણ પ્રાયોરીટી આપવા લોકો તરફથી સુચન કરવામાં આવ્યુ છે. લોકોએ એવા પણ સૂચનો કર્યા છે કે જાહેર મિલકતો પર કોર્પોરેટરોના નામ લખવાના બંધ કરો, ઉપરાંત 1 કરોડ ઉપરાંતની વધુ કિંમતની કાર પર વધુ ટેક્સ વસુલો તેવા પણ સૂચનો કરાયા છે.
Reporter: