આગ્રા : ભારતીય વાયુસેનાને ચાર દિવસમાં બીજી મોટી ખોટ પડી છે. આગ્રામાં શનિવારે ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન ઇજાના કારણે પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટરનું મોત થયું હતું.
બુધવારે, ગુજરાતના જામનગરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન પ્લેન ક્રેશ થતાં જગુઆર ફાઇટર પ્લેનના પાયલોટનું મૃત્યુ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું કે પેરા જમ્પ પ્રશિક્ષક આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના સભ્ય હતા. તેમનું મૃત્યુ 'ડેમો ડ્રોપ' દરમિયાન થયેલી ઈજાઓને કારણે થયું હતું. 'ડેમો ડ્રોપ' એ તાલીમ કવાયત માટેનો ટેકનિકલ શબ્દ છે.ઇન્ડિયન એર ફોર્સે આ અંગે માહિતી આપતા X પર જણાવ્યું હતું કે, 'ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમના પેરા જમ્પ પ્રશિક્ષકનું આગરામાં ડેમો ડ્રોપ દરમિયાન ઇજા થવાને કારણે નિધન થયું છે.
ભારતીય વાયુસેના આ નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભું છે.'પોલીસે જણાવ્યું કે ભારતીય વાયુસેનાના વોરંટ ઓફિસર રામકુમાર તિવારીનું શનિવારે અવસાન થયું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વોરંટ ઓફિસર તરીકે તૈનાત રામકુમાર તિવારી (ઉ. વ. 41)એ શનિવારે સવારે લગભગ 09:30 વાગ્યે હેલિકોપ્ટરમાંથી કૂદકો માર્યો હતો અને કૂદ્યા બાદ પેરાશૂટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ ખામીને કારણે રામકુમાર તિવારી સીધા જ જમીન પર પડ્યા હતા. ત્યારબાદ વાયુસેનાના જવાનોએ રામકુમાર તિવારીને ઈજાગ્રસ્ત હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.'
Reporter: admin