વડોદરા : સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપરથી કૂલર અને કપડાના જથ્થાની આડમાં દારૂનો જથ્થો ભરેલ કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના કન્ટેનરને ચાલક સાથે ઝડપી પાડી કુલ દારૂ -બિયરના 9003 નંગ સહિત રૂ. 44.97 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અલ્પુ સહિત અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનું કન્ટેનર વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ પસાર થઈ રહ્યું છે. તારીખ 8 મે ગુરૂવારના રોજ રાત્રે એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનર ચાલકને પોલીસ પીછો કરી રહી હોવાની ગંધ આવી જતા પકડાઈ જવાની બીકે કન્ટેનર આંકલવાડી ગામ પાસે હાઈવેની સાઇડમાં ઊભું કરી ગામ તરફ નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમયે પડી જવાથી કન્ટેનર ચાલકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પોલીસની પ્રાથમિક પુછતાછમાં ચાલક રહમુદ્દીન ખાલિદ મેવ (રહે - તીજરા, અલવર,રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા વાસદ પોલીસની હદ હોય વાસદ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. કન્ટેનરનું સીલ તોડી આગળથી કુલર અને બોક્સ હટાવી જોતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાસદ પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરમલદાસ વાઘવાણી (રહે - સંતકવર કોલોની, વારસિયા, વડોદરા), કન્ટેનર માલિક, અલ્પુનો સાગરીત તથા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કન્ટેનર ચાલકની અટકાયત કરી રૂ.29,40,640ની કિંમતના દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 9003, રૂ.24 હજારની કિંમતના 8 મોટા કુલર, રૂ. 20 હજારની કિંમતના 10 નાના કુલર, કપડા ભરેલ 14 પુઠ્ઠાના બોક્સ, આરોપી પાસેથી મળી આવેલ રોકડ રૂ.4,350, એક મોબાઈલ એક મોબાઈલ ફોન તથા રૂ.15 લાખની કિંમતનું કન્ટેનર સહિત કુલ રૂ. 44,97,990 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Reporter: admin