‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત છેલ્લા 18 વર્ષથી સામાજિક ક્ષેત્રે કાર્યરત નિશિતા રાજપૂત દ્વારા ગૌરીવ્રતના પવિત્ર પ્રારંભ નિમિત્તે કમાટી બાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગૌરીવ્રત રાખનાર 201 જેટલી નાની બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉત્તમ ગુણવત્તાના ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળાઓમાં વ્રત પ્રત્યેની શ્રદ્ધા સાથે ઉત્સાહ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોમી એકતા અને સદભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. આર. એન. પંડ્યા શાળાની મુસ્લિમ દીકરીઓએ ગૌરીવ્રત કરતી બાળાઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી હતી.

નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે, આ પહેલ સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપે છે. ભાવનાબેન પટેલના સહયોગથી છેલ્લા 15 વર્ષથી આ સરાહનીય કાર્યક્રમ સતત યોજાઈ રહ્યો છે.
Reporter: admin







