News Portal...

Breaking News :

અંતરિયાળ ગામમાં કન્ટેનર શાળાનું લોકાર્પણ, રસ્તાના અભાવે શિક્ષણ મંત્રીને પણ પડી મુશ્કેલી

2026-07-27 13:32:07
અંતરિયાળ ગામમાં કન્ટેનર શાળાનું લોકાર્પણ, રસ્તાના અભાવે શિક્ષણ મંત્રીને પણ પડી મુશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ સુવિધા માટે કન્ટેનરમાં બનાવવામાં આવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંબાડુંગર ગામના માણુંકલા ફળિયા અને હાફેશ્વર ગામના અમલાપાણી ફળિયામાં તૈયાર કરાયેલી કન્ટેનર શાળાનું લોકાર્પણ રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમ દરમિયાન અંતરિયાળ વિસ્તારની રોડ સુવિધાની વાસ્તવિક સ્થિતિ સામે આવી હતી.

હાફેશ્વરના અંબાડુંગરના માણુંકલા ફળિયા સુધી પહોંચવા માટે મુખ્ય માર્ગથી અંદાજે 5 કિલોમીટરનો કાચો રસ્તો પસાર કરવો પડે છે. મંત્રીની ગાડી આ રસ્તા પરથી જઈ શકે તેમ ન હોવાથી તંત્ર દ્વારા મામલતદારની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાથી આદિવાસી વિસ્તારના લોકો વર્ષોથી ભોગવી રહેલી મુશ્કેલીનો અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને પણ પ્રત્યક્ષ અનુભવ થયો હતો. મંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે જિલ્લામાં કુદરતી સૌંદર્ય છે, પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાની સુવિધાનો અભાવ છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને ફળિયામાં વર્ષોથી કાચા ઝૂંપડામાં પ્રાથમિક શાળા ચાલી રહી હતી, જેના કારણે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે કન્ટેનર શાળાના નિર્માણથી વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી રહેશે. મંત્રીશ્રીએ જૂની શાળાની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Reporter: admin

Related Post