વડોદરા : યાત્રાધામ પાવાગઢમાં બંદોબસ્ત માટે મુકવામાં આવેલી એસઆરપી પોલીસના ચાર પોઇન્ટની કામગીરીના નિરીક્ષણ માટે પાવાગઢ આવેલા અને ગેસ્ટ હાઉસમાં રોકાયેલા નડિયાદ એસઆરપી કંપની - સી, ગ્રુપ - 7ના કંપની કમાન્ડરનું ગેસ્ટ હાઉસના રૂમમાં રહસ્યમય મોત નીપજ્યું હતું.
સવારે પાવાગઢ પોલીસ અને એસઆરપી પોલીસે ગેસ્ટ હાઉસ પહોંચી મૃતક કમાન્ડરના મૃતદેહને પીએમ અર્થે હાલોલ સરકારી હોસ્પિટલ મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન મોટી સંખ્યમાં માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. ત્યારે કાયદો વ્યવસ્થા અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. ત્યારે આસો નવરાત્રીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે એસ.આર.પીની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
જેમાં નડિયાદ એસ.આર.પી ગ્રુપ-7ની ટીમ પણ યાત્રાધામ પાવાગઢ ખાતે તૈનાત કરવામાં આવી છે. જેનુ નિરિક્ષણ કરવા માટે નડિયાદ એસ.આર.પીના પી.આઇ ગણેશ પટેલ આવ્યાં હતા. રાત્રી દરમિયાન તેઓ પાવાગઢની તળેટી ખાતે આવેલા શિવ શક્તિ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. જ્યાં તેઓનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતુ. જે અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં પી.આઇ ગણેશ પટેલના મૃતદેહને હાલોલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યો હતો.પી.આઇ ગણેશ પટેલનું મોત કયા કારણોસર અને કયા સંજોગામાં થયું તેનું ચોક્કસ કારણ પી.એમ રિપોર્ટ આવ્યાં બાદ જ માલુમ પડશે.
Reporter: admin