મુંબઈ: ઓનલાઈન લોનની જાહેરાત પર કરાયેલા માત્ર એક ક્લિકે મુંબઈમાં કાર્યરત એક 37 વર્ષીય બેન્કરને રૂ.17.6 લાખની છેતરપિંડીનો ભોગ બનાવ્યો હતો. આર્થિક નુકસાન ઉપરાંત આરોપીઓએ એક વર્ષ સુધી બેન્કર અને તેના પરિવારને સતત ધમકીઓ આપી, પીછો કર્યો અને માનસિક ત્રાસ આપ્યો હતો. આખરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત વ્યક્તિ મુંબઈની એક આંતરરાષ્ટ્રીય બેન્કમાં રિલેશનશિપ મેનેજર તરીકે કાર્યરત છે. એપ્રિલ 2025માં સોશિયલ મીડિયા પર દેખાયેલી એક ઇન્સ્ટન્ટ લોનની જાહેરાત પર તેણે ક્લિક કર્યું હતું. ત્યારબાદ તેના મોબાઇલમાં એકાઉન્ટ એગ્રીગેટર પ્રક્રિયા શરૂ થઈ અને તેની જાણ બહાર જ તેના બેન્ક ખાતામાં રૂ.23,150 જમા થઈ ગયા.
આ પછી આરોપીઓએ ઊંચા વ્યાજ અને વિવિધ ચાર્જના નામે સતત રૂપિયા માંગવાનું શરૂ કર્યું. પૈસા ન આપતા પીડિત અને તેના પરિવારને ગાળો, જાનથી મારી નાખવાની ધમકીઓ, પત્નીનો મોર્ફ્ડ વીડિયો મોકલી બ્લેકમેઇલ તેમજ બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, એપ્રિલ 2025થી મે 2026 દરમિયાન પીડિતે કુલ રૂ.17.6 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં આરોપીઓ હજુ પણ રૂ.10.08 લાખ બાકી હોવાનું કહી વધુ ઉઘરાણી કરી રહ્યા હતા.
25 મેના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરેશ વાઘમારે, પરેશ ગરીવાલ, પ્રવીણ જાધવ, પ્રવીણ થોરાત, રવિ જયસવાલ અને વાલ્મિક ગુપ્તાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઇન્સ્ટન્ટ લોનના નામે લોકોને ફસાવી ગેરકાયદે ઉઘરાણી અને માનસિક ત્રાસ આપતા હતા.
પોલીસ સમગ્ર રેકેટના અન્ય સભ્યો અને આ પ્રકારની છેતરપિંડીના વધુ ભોગ બનેલા લોકો અંગે પણ તપાસ ચલાવી રહી છે.
Reporter: admin







