વડોદરા : ચાંપાનેરને વર્ષ 2004માં UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે.

ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. છેલ્લા બે વર્ષમાં આશરે 80 હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે જેમાં, 78,367 ભારતીય તથા 1639 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું.
તત્કાલીન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહોજલાલી હતી. ફકત ભારતમાં જ નહિ, દૂર-દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી. હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલ સ્મારકો તથા મુસ્લિમ શાસક મહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જીદોનું સ્થાપત્ય સિવીલ અન્જીન્યરીંગનું અદ્ભૂત ઉદાહરણ છે.ભારતની 43 હેરીટેજ સાઈટોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો છે. જેમાં ગુજરાતના ચાંપાનેર, રાણીની વાવ, કચ્છના ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો પણ સમાવેશ થાય છે. જે પૈકી ચાંપાનેરમાં છેલ્લા બે વર્ષમાં આશરે ૮૦ હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.
Reporter: admin