વડોદરા: અશાંતધારા વિસ્તારમાં મિલકતની ખરીદી અથવા ભાડે લેવા માટે દસ્તાવેજ નોંધતા પૂર્વે કલેક્ટરની મંજુરી લેવી ફરજિયાત છે.
રાજ્ય સરકારના આ કાયદાના કારણે મિલકતો ખરીદવા કે ભાડે માટે મંજૂરી મેળવવા માટે નાયબ કલેક્ટરની કચેરીમાં અરજીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દર મહિને સરેરાશ દોઢ હજારથી પણ વધુ અરજીઓ કલેક્ટર કચેરીમાં દસ્તાવેજની મંજૂરી માટે આવી રહી છે.વડોદરામાં વારંવાર કોમી તોફાનોના કારણે હિંદુ વિસ્તારમાં પ્રોપર્ટીઓ વેચી લોકો અન્ય સ્થળે રહેવા માટે જતા રહેતા હતાં. આ પ્રકારની અનેક ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવતા અશાંતધારા અંગેનો કાયદો તૈયાર કરવામાં આવ્યો અને તેનું અમલીકરણ પણ કરાયુ હતું.
આ કાયદાની મુદત તાજેતરમાં જ પાંચ વર્ષ માટે વધારવામાં આવી હતી જેનું અમલીકરણ હાલમાં ચાલુ છે.વડોદરા શહેરમાં પોલીસ સ્ટેશનના વિસ્તાર પ્રમાણે અશાંતધારાના કાયદાનું અમલીકરણ કરાયુ છે. અશાંતધારા હેઠળનો વિસ્તાર શહેરમાં દરેક અશાંતધારાની મુદતોમાં વધી રહ્યો છે. આ કાયદા અંતર્ગત કોઇપણ વ્યક્તિ જો રહેણાંક અથવા કોમર્શિયલ પ્રોપર્ટી અશાંતધારા વિસ્તારમાં ખરીદે અથવા ભાડે લે તો તેને નાયબ કલેક્ટરની મંજૂરી લેવી પડે છે અને આ મંજૂરી બાદ જ તે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરાવી શકે છે. પ્રોપર્ટી ખરીદનાર અને વેચનાર બંને એક જ કોમના હોવા છતા પણ મંજૂરી લેવી ફરજિયાત છે.
Reporter: admin