ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદે થતા રેતી ખનન પર દરોડો ફૂલવાડીમાં ખાણ ખનીજ ખાતાનો સપાટો, કરોડોનો મુદ્દામાલ જપ્ત 8 હાઇવા ટ્રક, 1 હિટાચી મશીન સાથે રૂા.2.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે. ત્યારે બુધવારે મધ્યરાત્રીએ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા દરોડો પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતા રેતી માફિયાઓને પરસેવો છૂટી ગયો છે.તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના ફૂલવાડી, ગામડી, ભલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તાલુકા તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના પરિણામે રાત્રી થતાં જ આ રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ રાખનારા મળતિયાઓની સાંઠ ગાંઠ થકી રેતીના સોદા પાર પાડી ઘી કેળા કરતા રહ્યા છે.

દરમિયાન બુધવારે મધ્ય રાત્રીએ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ચાંદોદ પાસેના ફૂલવાડી ગામના ઓરસંગ 1 નદીમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું. અધિક નિયામક ફ્લાઈંગ સ્કવોડ ખાણ ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડેલા આ દરોડામાં 2 રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઈન સુપરવાઈઝર સહિત 14 અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડયો હતો. આ દરોડામાં વડોદરા ખાણખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું. રેડ દરમિયાન 8 તોતિંગ હાઇવા ટ્રક અને 1 હિટાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતા. રંગે હાથ ઝડપાયા હતા. રૂા.2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્કવોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનના જાપ્તામાં મોકલ્યો.


Reporter: admin