અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. મળતી માહિતી મુજબ, મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ રૂટની સેવા ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી છે.
થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ ગુરૂવારે (22 મે) વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો છે. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાહેરાત કરવામાં આવી હતી કે, ટેક્નિકલ ખામીના કારણે થલતેજ ગામનો રૂટ અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.
નોંધનીય છે કે, ટૂંકા સમયમાં આ પ્રકારે મેટ્રો સેવા બંધ કરવાની જાહેરાતથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસ જતાં લોકો સવારથી હેરાન થયા અને બાદમાં ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો. હાલ મેટ્રો રેલ વિભાગ દ્વારા કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી કે, આ સેવા ફરી ક્યારે શરૂ કરવામાં આવશે? આ સિવાય કયા કારણોસર આ ટ્રેન બંધ કરવામાં આવી તેની પૂરતી માહિતી ન મળતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.
Reporter: admin