માંજલપુર વિધાનસભા મતવિસ્તારની આગામી પેટા ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને વડોદરા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે વિધાનસભા મતવિસ્તારમાં આવેલી વિવિધ શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓ ખાતે ‘મતદાન જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પ્રક્રિયામાં લોકભાગીદારી વધારવાના હેતુથી માંજલપુર સ્થિત સ્પેક્ટ્રમ સ્કૂલ ખાતે બાળકો માટે એક ભવ્ય ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ કલાના માધ્યમથી લોકશાહીના પર્વને બિરદાવ્યો હતો. આ ઉપરાંત, આઈ.ટી.આઈ. (ITI) તરસાળી ખાતે યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવતો વિશેષ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના તાલીમાર્થીઓ જોડાયા હતા. અને સૌએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. ઉમા વિદ્યાલય, સોમનાથ નગર, તરસાલી ખાતે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.

આ ઉપરાંત શ્રી શારદા મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે પણ 'મતદાન જાગૃતિ અભિયાન' અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે-સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા અને પોસ્ટર સેલ્ફી લઇ આગામી પેટા ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.
Reporter: admin







