ભારતીય સેનામાં લાંબા સમયથી ચર્ચામાં રહેલી થિયેટર કમાન્ડ વ્યવસ્થા હવે ટૂંક સમયમાં અમલમાં આવી શકે છે. નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન.એસ. રાજા સુબ્રમણી આ યોજનાનો અંતિમ ડ્રાફ્ટ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સોંપે તેવી શક્યતા છે. કારગિલ વિજય દિવસ બાદ આ અંગે મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન પણ રજૂ થઈ શકે છે.
હાલમાં ભારતીય થલસેના, વાયુસેના અને નૌસેના અલગ-અલગ કમાન્ડ અને આયોજન હેઠળ કાર્ય કરે છે. યુદ્ધ અથવા વિશેષ ઓપરેશન દરમિયાન ત્રણેય સેનાઓ સંકલન તો કરે છે, પરંતુ કોઈ એક સંયુક્ત કમાન્ડર હેઠળ કામગીરી થતી નથી.
નવી થિયેટર કમાન્ડ વ્યવસ્થામાં દેશને અલગ-અલગ સુરક્ષા ક્ષેત્રોમાં વહેંચવામાં આવશે. દરેક ક્ષેત્રમાં થલસેના, વાયુસેના અને નૌસેનાના તમામ દળો અને સંસાધનો એક જ થિયેટર કમાન્ડરના નિયંત્રણ હેઠળ રહેશે. તે પરિસ્થિતિ મુજબ કઈ સેવાનો કેવી રીતે ઉપયોગ કરવો તે નક્કી કરશે, જેના કારણે નિર્ણયો ઝડપથી લેવાશે અને ત્રણેય સેનાઓ વચ્ચે વધુ અસરકારક સંકલન રહેશે.
પ્રારંભિક યોજના મુજબ ઉત્તરી થિયેટર કમાન્ડ ચીન સરહદ, પશ્ચિમી થિયેટર કમાન્ડ પાકિસ્તાન સરહદ અને મેરિટાઈમ થિયેટર કમાન્ડ ભારતની દરિયાઈ સીમા તથા હિંદ મહાસાગરની સુરક્ષાની જવાબદારી સંભાળશે.
આ સુધારાને સ્વતંત્રતા બાદ ભારતીય સેનાનો સૌથી મોટો લશ્કરી સુધારો માનવામાં આવે છે. જોકે સૈનિકોની ભરતી, તાલીમ, હથિયારોની ખરીદી, બજેટ અને જવાબદારીઓના વહેંચાણ જેવા મુદ્દાઓ પર હજુ અંતિમ ચર્ચા ચાલી રહી છે. યોજના અમલમાં આવ્યા બાદ ભારતની સંયુક્ત સૈન્ય કામગીરી વધુ આધુનિક, ઝડપી અને અસરકારક બનવાની અપેક્ષા છે.
Reporter: admin







