વડોદરા: 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈને મંગળવારે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્રોની સ્ક્રુટીની હાથ ધરવામાં આવી હતી. સ્ક્રુટીની પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન કુલ સાત ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હતા. રદ થયેલા ઉમેદવારોમાં ભાજપ અને કોંગ્રેસના ડમી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. બંને ડમી ઉમેદવારોએ પાર્ટીનું અધિકૃત મેન્ડેટ રજૂ ન કરતાં તેમના ઉમેદવારીપત્રો અમાન્ય ઠરાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય પક્ષના એક ઉમેદવારે ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલી જરૂરી પૂરક વિગતો સમયસર રજૂ ન કરતાં તેમનું ઉમેદવારીપત્ર પણ રદ કરવામાં આવ્યું હતું. અન્ય ઉમેદવારોના ફોર્મ પણ નિયમો અનુસાર અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા.
સ્ક્રુટીની પૂર્ણ થયા બાદ હવે 30 જુલાઈએ યોજાનારી માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો વચ્ચે સીધી ચૂંટણી જંગ જોવા મળશે.
Reporter: admin







