વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ *'મન કી બાત'*ના 136મા એપિસોડનું રવિવારે દેશભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ દ્વારા વોર્ડ નં. 19 વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે કાર્યક્રમના સામૂહિક શ્રવણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું.

કાર્યક્રમ બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જીતવી કોઈ અઘરો વિષય નથી. તેમણે કહ્યું કે, સ્વ. યોગેશભાઈએ વર્ષો સુધી માંજલપુર વિસ્તારના વિકાસ માટે કામગીરી કરી છે અને તેનો લાભ ભાજપને ચોક્કસ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેટાચૂંટણી હોવાથી મતદાનની ટકાવારી વધારવી પક્ષ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ માટે બૂથ લેવલથી લઈને દરેક કાર્યકર્તાને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનની એકજૂટ કામગીરીના બળે ભાજપ આ બેઠક જંગી બહુમતીથી જાળવી રાખશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોને પણ ખબર છે કે વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપનો જ વિજય થવાનો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 136મા એપિસોડમાં મણિપુર, પર્યાવરણ સંરક્ષણ માટેના 'એક પેડ દેશ કે નામ' અભિયાન સહિત વિવિધ સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર દેશવાસીઓને સંબોધ્યા હતા. વડોદરા સહિત દેશભરના અનેક સ્થળોએ ભાજપ દ્વારા કાર્યક્રમના સામૂહિક શ્રવણનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગઠનની તાકાતથી માંજલપુર બેઠક જાળવી રાખીશું
વડોદરાના વોર્ડ-19માં યોજાયેલા 'મન કી બાત' કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્વ. યોગેશ પટેલે સમગ્ર વિસ્તારમાં કરેલા વિકાસકાર્યોના આધારે ભાજપને જંગી જનસમર્થન મળશે. બૂથ લેવલથી કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરાવવા સૂચના આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું. ઋષિકેશ પટેલે દાવો કર્યો કે, કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને પણ ખબર છે કે માંજલપુર બેઠક પર ભાજપનો જ વિજય થવાનો છે. તેમણે સંગઠનની એકતા અને કાર્યકરોની મહેનતના બળે ભાજપ આ બેઠક જાળવી રાખશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
Reporter: admin







