વડોદરા શહેરમાં કોર્ટના સજા વોરંટના અમલને વધુ અસરકારક બનાવવા મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રેસનોટ મુજબ દીવાળીપુરા કોર્ટના અલગ-અલગ બે કેસોમાં સજા વોરંટ જાહેર થયા બાદ લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રથમ કેસમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ નોંધાયેલા કેસમાં ભરત રમેશચંદ્ર ગજ્જર છેલ્લા બે મહિનાથી ફરાર હતો. મકરપુરા પોલીસના કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવિનસિંહને મળેલી બાતમીના આધારે આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી.
બીજા કેસમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જ કલમ હેઠળ નોંધાયેલા અન્ય કેસમાં નિરજસીંગ વિજયબહાદુર સિંહ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસથી બચી ફરતો હતો. પોલીસ કોન્સ્ટેબલ ઇસ્માઇલખાન નવરંગખાનને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કોર્ટના વોરંટનો અમલ કરાયો હતો.
શહેર પોલીસ દ્વારા કોર્ટના વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી પકડવા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મકરપુરા પોલીસની ટીમે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે કોર્ટના આદેશનું પાલન કરાવવા અને ફરાર આરોપીઓને કાયદાના દાયરામાં લાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.
Reporter: admin







