News Portal...

Breaking News :

માંજલપુર પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી

2026-07-13 14:16:29
માંજલપુર પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી

વડોદરા જિલ્લાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલે સોમવારે શુભ મુહૂર્તમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી નોંધાવતાં પહેલાં ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.

ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, વડોદરા લોકસભાના સાંસદ ડો. હેમંગ જોષી, મેયર ગીતાબેન મકવાણા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત પક્ષના અનેક હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે પક્ષના નેતાઓએ સતીશભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી અને તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના આગેવાનોએ કાર્યકરોને ચૂંટણી પ્રચારમાં સક્રિય રીતે જોડાવા અને વધુમાં વધુ મતદારો સુધી પહોંચીને પક્ષની વિકાસયાત્રા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. માંજલપુર પેટાચૂંટણીને લઈને હવે ભાજપે પોતાના ચૂંટણી પ્રચારને વધુ વેગ આપવાની તૈયારી શરૂ કરી છે.

Reporter:

Related Post