News Portal...

Breaking News :

કેવડીમાં અધૂરા રસ્તાથી ગ્રામજનોમાં રોષ, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રસ્તા પર ઉતર્યા લોકો

2026-07-27 10:44:49
કેવડીમાં અધૂરા રસ્તાથી ગ્રામજનોમાં રોષ, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રસ્તા પર ઉતર્યા લોકો

નસવાડી: નસવાડી તાલુકાના કેવડી ગામના મેન ફળિયામાં દોઢ કરોડના ખર્ચે બનનારા બે કિલોમીટર લાંબા રસ્તાની કામગીરી લાંબા સમયથી અધૂરી રહેતાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ રસ્તા પર પાથરાયેલા મેટલ ઉખેડી અને ઉછાળીને સૂત્રોચ્ચાર સાથે તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

માહિતી અનુસાર, કેવડી ગામના મેન ફળિયામાં આશરે 150 જેટલી વસ્તી વસે છે. ગ્રામજનોને સારા માર્ગની સુવિધા મળે તે માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બે કિલોમીટર લાંબા રસ્તાને મંજૂરી આપવામાં આવી હતી. આ કામગીરી માટે જાન્યુઆરી-2025માં વડોદરાની નીયતિ કન્સ્ટ્રક્શનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ડિસેમ્બર-2025 સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટરે માત્ર રસ્તા પર મેટલ પાથરી કામગીરી અધવચ્ચે જ છોડી દીધી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. છેલ્લા એક વર્ષથી કાચા મેટલવાળા રસ્તાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઇક સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે અને 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓને સારવાર માટે લઈ જવામાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે.

રસ્તાની કામગીરી પૂર્ણ ન થતાં વાહનોને પણ નુકસાન થઈ રહ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ રસ્તા પર પાથરાયેલા મેટલ ભેગા કરીને ઉછાળ્યા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વિકાસના કામો અધૂરા રહી ગયા છે. આઝાદીના દાયકાઓ બાદ સારા રસ્તાની આશા પણ હવે ઠગારી નીવડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગે કામગીરીમાં વિલંબ બદલ સંબંધિત એજન્સીને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રસ્તાનું કામ પૂર્ણ ન થતાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Reporter: admin

Related Post