News Portal...

Breaking News :

કરજણ પોલીસે રૂ.9.50 લાખની ચોરીમાં ગયેલી મિલ્કત અરજદારોને પરત આપી

2026-09-04 13:34:24
કરજણ પોલીસે રૂ.9.50 લાખની ચોરીમાં ગયેલી મિલ્કત અરજદારોને પરત આપી

કરજણ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલી મિલ્કતો શોધી કુલ રૂ.9.50 લાખનો મુદ્દામાલ બે અરજદારોને પરત આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચોરીમાં ગયેલા બે ટ્રેક્ટર અને એક ટ્રોલી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડિવિઝન વિસ્તારમાં ગુમ થયેલી અને ચોરીમાં ગયેલી મિલ્કતો શોધી અરજદારોને પરત આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કરજણ પોલીસ સ્ટાફે ચોરીના ગુનામાં તપાસ કરી ટ્રેક્ટર અને ટ્રોલી સહિત કુલ રૂ.9.50 લાખનો મુદ્દામાલ પરત મેળવ્યો હતો.

પોલીસે રૂ.4.50 લાખનું એક ટ્રેક્ટર, રૂ.1 લાખની ટ્રોલી તેમજ રૂ.4 લાખનું અન્ય એક ટ્રેક્ટર મળી કુલ બે ટ્રેક્ટર અને એક ટ્રોલી કબજે કરી હતી. ત્યારબાદ કરજણ ખાતે યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં બે અરજદારોને તેમની મિલ્કત પરત સોંપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને નશામુક્તિ અને ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ લાવવા સમજ આપવામાં આવી હતી. ઉપરાંત મહિલા જાગૃતિ, વ્યાજખોરીના દૂષણ સામે સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

આ સાથે લોકોને વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓથી સાવચેત રહેવા અને સાયબર ઠગાઈથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post