ઓડીશાના પુરીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં કોરોનાના સમયથી બંધ રહેલા મંદિરના ત્રણ દરવાજા આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.
દર્શન કરવા જતા ભક્તો માટે ખુશ ખબર છે, હવે ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોએ વધારે રાહ જોવી નહીં પડે. ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી દરમિયાન મંદિરના ચારેય દરવાજા ખોલવાનું વચન આપ્યું હતું.વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના નેતા મોહન ચરણ માઝીએ ઓડીશા રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, ભાજપે ચૂંટણી વખતે આપેલા વચનને પૂરું કરતા તેમણે કેબિનેટ પ્રધાનોની હાજરીમાં મંગળા આરતી સાથે મંદિરના તમામ દરવાજા ખોલ્યા હતા. મુખ્ય પ્રધાન માઝીની સાથે પુરી લોકસભા સાંસદ સંબિત પાત્રા અને પૂર્વ પ્રધાન પ્રતાપ સારંગી પણ હાજર હતા.મંદિરના દરવાજા ખોલ્યા બાદ સીએમ મોહન ચરણ માઝીએ કહ્યું કે ગઈકાલની કેબિનેટ બેઠકમાં અમે જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઠરાવ પસાર કરવામાં આવ્યો અને આજે સવારે 6:30 વાગ્યે મેં મારા વિધાનસભ્યો અને પુરીના સાંસદ (સંબિત પાત્રા) સાથે ‘મંગલા આરતી’માં હાજરી આપી હતી.
સીએમ માઝીએ કહ્યું છે કે જગન્નાથ મંદિરના વિકાસ અને અન્ય કામો માટે અમે કેબિનેટમાં ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે અમે રાજ્યનું આગામી બજેટ રજૂ કરીશું ત્યારે મંદિરના સંચાલન માટે 5 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવીશું.પૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સરકારના કાર્યકાળ દરમિયાન કોરોનાને કારણે મંદિરના ત્રણ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. કોવિડ પાનડેમિક શમી ગયા પછી સિંહ દ્વાર ખોલવામાં આવ્યો હતો, જ્યારે અશ્વ દ્વાર, વ્યાઘ્ર દ્વાર અને હસ્તી દ્વાર 4 વર્ષથી બંધ હતા. જેના કારણે મંદિરમાં લોકોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી.
Reporter: News Plus