બેંગલુરુ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) તેના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે ખાસ પ્રયોગની તૈયારી કરી રહ્યું છે.
આ પ્રયોગ ફ્રૂટ ફ્લાય્ઝ (ભારતમાં વેલાવાળાં ફળ -શાકભાજી માંથી પોષણ મેળવતી માખી) ને ૨૦૨૫માં અંતરિક્ષમાં મોકલવાનો છે.ઇસરોનાં સૂત્રોના કહેવા મુજબ ગગનયાન મિશન માટેના આ નવતર વૈજ્ઞાનિક પ્રયોગ માટે યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ(યુ.એ.એસ.- ધારવાડ) અને ઇન્ડિયન ઇનસ્ટિટયુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી (આઇ.આઇ.એસ.ટી.) વચ્ચે સહયોગ થયો છે. અમારા આ પ્રયોગ માટે યુ.એ.એસ.ના કૃષિ વિજ્ઞાનીઓએ ૨૦ ફ્રૂટ ફ્લાય્ઝ ખાસ પદ્ધતિથી તૈયાર કરી છે. ગગનયાન મિશનમાં ભારતના ચાર અવકાશયાત્રીઓ ગ્રુપ કેપ્ટન્સ પ્રશાન્થ બાલકૃષ્ણન નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણન, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાની પસંદગી થઇ છે. હવે આ ચારમાંથી ત્રણ અથવા બે અવકાશયાત્રીઓ ગગનયાનમાં બેસીને સતત ૭૨ કલાક સુધી પૃથ્વીની ૪૦૦ કિલોમીટરની નીચેની ભ્રમણકક્ષામાં જઇને વિવિધ પ્રયોગો કરશે.
જોકે ભારતના અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જાય ત્યારે તેમના શરીરમાં કેવા કેવા ફેરફાર થાય છે તેની સચોટ જાણકારી મેળવવા માટે ઇસરો કેટલાક મહત્વના સંશોધનાત્મક પ્રયોગો કરી રહ્યું છે.યુ.એ.એસ.ના સિનિયર વિજ્ઞાની ડો.કિરણ કુમારે તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસના આધારે એવી માહિતી આપી છે કે ફ્રૂટ ફ્લાય્ઝની શારીરિક રચના અને માનવીની શારીરિક રચનામાં ઘણી સમાનતા છે. એટલે કે કદમાં બહુ નાની ફ્રૂટ ફ્લાયનાં જનીન અને માનવીનાં જનીન વચ્ચે ૭૭ ટકા જેટલી સમાનતા છે. ફ્રૂટ ફ્લાય્ઝ અંતરિક્ષમાં જાય તો તેના શરીરમાં કેવા અને કેટલા ફેરફાર થાય છે તેની સચોટ અને ઉપયોગી માહિતી મળશે. આ જ માહિતી ભારતના ભાવિ અવકાશયાત્રીઓના આરોગ્યની જાળવણી માટે બહુ ઉપયોગી બની રહેશે.
Reporter: admin