આષાઢ સુદ બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા આગામી **16 જુલાઈ (ગુરુવાર)**ના રોજ 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હરિભક્તો અને નગરજનોની હાજરીમાં ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે.
ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રીલ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે વિશ્વભરના અનેક શહેરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરા શરૂ કરી હતી. આજે વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે 1,000થી વધુ રથયાત્રાઓનું આયોજન થાય છે. વડોદરાની રથયાત્રા પણ શહેરના અગ્રણી ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોમાં સ્થાન ધરાવે છે.
જગન્નાથ પુરીની પરંપરા અનુસાર રથયાત્રા પૂર્વે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે પરંપરાગત પાહિંદ (છેરા પહરા) વિધિ સંપન્ન કરશે.
રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી કચેરી, રાવપુરા, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, મદનઝાંપા રોડ, કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડ થઈને બરોડા હાઈસ્કૂલ ખાતે અંદાજે સાંજે 8 વાગ્યે પહોંચશે.
રથયાત્રા દરમિયાન રથની પાછળ 45 હજાર કિલોગ્રામ (45 ટન) શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા શીરો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ઇસ્કોનના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના આધ્યાત્મિક ગ્રંથો તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો, હરિભક્તો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. તેમજ ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 5:30થી રાત્રે 9:00 વાગ્યા સુધી તમામ ભાવિકો માટે ભંડારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin







