જામનગર : ભારતીય સેના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ત્યારબાદ જામનગર સહિતના દરિયા કિનારે એસ.ઓ.જી. સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર ની સૂચના અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જુદા જુદા વિભાગોમાં સધન ચેકિંગની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે હાલારનો દરિયા કિનારો કે જેને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે, અને પાકિસ્તાનની સરહદની ખૂબ જ નજીક આવેલો હોવાથી અહીં પણ મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના કોસ્ટલ વિસ્તારમાં એસ.ઓ.જી. શાખા, મરીન પોલીસ સ્ટેશન, ઉપરાંત ટાસ્ક ફોર્સના કમાન્ડો સહિતની સંયુક્ત ટુકડીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને હાલારના જુદા જુદા સાગર કીનારાઓ પર બોટ પેટ્રોલિંગ કરીને જુદી જુદી માછીમારી બોટો સહિત ને અટકાવીને તમામની ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથો સાથ સાગર કિનારાઓ ઉપર વસવાટ કરતા નાગરિકોના રહેઠાણોના સ્થળ ઉપર પણ મોટા પાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
Reporter: admin