સુરત : સ્માર્ટ વીજ મીટરના કારણે વીજળી બિલ વધારે આવતું હોવાથી તેને દુર કરવાની માગ સાથે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. જો કે આ મામલે લોકોની ફરિયાદ અને હોબાળા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં લોકોને સ્માર્ટ વીજ મીટર જ વાપરવું પડશે. સ્માર્ટ મીટર જુના મીટર જેવું જ છે.
લોકોના વિરોધ ને પગલે હાલ DGVCL રહેણાક વિસ્તારોના બદલે સરકારી કચેરીઓમાં વીજ મીટર ફીટ કરશે. જોકે સ્માર્ટ મીટર આજે નહીં તો કાલે દરેક ઘરમાં ચોક્કસપણે ફીટ કરવામાં આવશે જ એ બાબતે ડીજીવીસીએલ મક્કમ છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ સરકારી વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યાં છે ત્યારે સ્માર્ટ મીટરની કામગીરીની સામે લોકોમાં હોબાળો મચી ગયો છે.
સ્માર્ટ મીટરની કામગીરીને લઈને સુરત DGVCL ના MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર સુરત શહેરમાં સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું હતું. લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર અવવાના છે ત્યારે છેલ્લા 1 મહિનામાં 10,000 મીટર અમે ચેન્જ કર્યા છે. છેલ્લા 3થી 4 દિવસથી સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર બાબતે કેટલીક ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે. અનેક લોકોને લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે.
અમે લોકોને બતાવવા માંગીશું કે જુના મીટર જેવું જ સ્માર્ટ મીટર છે. સ્માર્ટ મીટરમાં અનેક ઓપ્શન લોકોને મળે છે, જેમાં વીજ વપરાશ અંગેની પણ માહિતી મળે છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં 1.10 કરોડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. હાલ પૂરતી કામગીરી રહેણાંક વિસ્તારમાં સ્થગિત કરીને સરકારી ઈમારતોમાં લગાવવાનું કહ્યું હતું.
Reporter: News Plus