News Portal...

Breaking News :

નેતાઓને ડાયરાનાં બહુ શોખ હોય તો પોતાના ખર્ચે કરે, વડોદરાવાસીઓનાં માથે કેમ ખર્ચ નાંખો છો

2025-03-12 09:50:17
નેતાઓને ડાયરાનાં બહુ શોખ હોય તો પોતાના ખર્ચે કરે, વડોદરાવાસીઓનાં માથે કેમ ખર્ચ નાંખો છો


પ્રજાને પૈસે તાગડધીન્ના કરી મોટા દાતાઓ બનીને ફરનારા ત્રિપૂંડધારી સનાતની નેતાઓની ટોળકીને હવે વડોદરાની જનતા ઓળખી ગઈ છે.





ગઈ 18-02-2023ના રોજ શહેરમાં મહાશિવરાત્રી નિમીત્તે યોજાયેલ શિવજી કી સવારી તથા સુરસાગર તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત પ્રતિમાના અનાવરણ અને તે સંદર્ભે યોજાયેલ ડાયરાના કાર્યક્રમોનો ખર્ચો રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવાનો હતો પણ હવે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપવાનો નનૈયો ભણી દેતાં આ ખર્ચો વડોદરાવાસીઓના માથે નાખવાની ફરી એક દરખાસ્ત મ્યુનિ.કમિશનર દ્વારા સ્થાયી સમિતી સમક્ષ કરવામાં આવી છે. ત્યારે શિવજી કી સવારીનો ખર્ચ વડોદરાવાસીઓ કેમ ભોગવે તેની ચર્ચા શહેરમાં ફરી એક વાર શરુ થઇ છે. એક સંસ્થા જ્યારે શિવજી કી સવારીનું આયોજન કરતી હોય ત્યારે તેનો ખર્ચો જે તે સંસ્થાએ ભોગવવો જોઇએ પણ તેના બદલે કોર્પોરેશન ખર્ચો કરે તે કેટલું વ્યાજબી છે તે સવાલ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ આ જ દરખાસ્ત સ્થાયી સમિતી સમક્ષ કરાઇ હતી અને સ્થાયી સમિતીએ આ દરખાસ્ત મુલતવી કરી નાખી હતી. સ્થાયીની બેઠકમાં ગયા મહિને પણ કમિશનરે કરેલી દરખાસ્તના કારણે  2023માં યોજાયેલી શિવજી કી સવારી અને તેને સંલગ્ન કાર્યક્રમોનો ખર્ચો કોર્પોરેશન ઉઠાવે તે મુદ્દો ઉઠ્યો હતો અને આ ખર્ચ કરવાની દરખાસ્તને સ્ટેન્ડિગ કમિટીએ મુલતવી કરી દીધી હતી . જો કે ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરીને સ્ટેન્ડીગ ચેરમેન પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ધારાસભ્યના દબાણના કારણે ફરી એક વાર આ 1 કરોડનો ખર્ચો વડોદરાવાસીઓના શિરે લાદવાની દરખાસ્ત સ્થાયીમાં લાવવામાં આવી છે. શહેરમાં જોરશોરથી એક જ ચર્ચા થઇ રહી છે કે જનતાએ પોતાના ટેક્સના રુપિયામાંથી ઓસમાણ મીરના, ગીતા રબારી,કિર્તીદાન ગઢવીના ડાયરા સાંભળવાના ? ખાનગી સંસ્થા દ્વારા કરાયેલા કાર્યક્રમનો ખર્ચો જો કોર્પોરેશન જ ચૂકવે તો પછી શહેરમાં તો છાશવારે ડાયરા અને શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો થાય છે અને આ કાર્યક્રમો કરનારા આયોજકો પણ કાર્યક્રમોનો ખર્ચો કોર્પોરેશન પાસે માગશે ત્યારે કોર્પોરેશન શું કરશે તેવા સવાલો પુછાઇ રહ્યા છે. એક તરફ કોર્પોરેશને માત્ર પ્રજાના કરવેરામાંથી જ મહેસુલી ખર્ચાઓ સહિતના ખર્ચા કરવાના હોય છે ત્યારે તેની આવક પણ મર્યાદીત છે તો પછી તેના પર વધારાનો બોજો કેમ લાદવામાં આવે છે તે શહેરીજનોને સમજાતું નથી. આ પ્રકારના કાર્યક્રમોના ખર્ચા કોર્પોરેશન ઉઠાવે તેવા ખર્ચા પર હવે કાયમ માટે રોક લાવી દેવી જોઇએ. જનતાને કોઇ ડાયરાની જરુર નથી. જો આયોજકોને ડાયરા સાંભળવાનો શોખ હોય કે યાત્રાઓ કાઢવી હોય તો પોતાના ખર્ચે કરે. પાલિકાના પૈસે નેતાઓએ વટ પાડવાની કોઇ જરુર નથી. કેટલાક બીજા નેતાઓ અને સંસ્થાઓ પોતાના ખર્ચે આવા ધાર્મિક કાર્યક્રમો કરે જ છે. ભંડારા, સુંદરકાંડ, ડાયરા, ગરબા, બાબા બાગેશ્વરના કાર્યક્રમો, હોલિકા દહન સહિતના ખર્ચાઓ પોતાના પૈસે થવા જોઇએ. પ્રજાના પૈસા ના થવા જોઇએ. 



શિવજી કી સવારીમાં કોને કેટલા ચૂકવવાના છે?
શિવજી કી સવારીના ખર્ચો વડોદરાવાસીઓના માથે ઝીંકવાની ફરી હિલચાલ થઇ રહી છે. ગત 2023ના રોજ 10 ફેબ્રુઆરીએ પંચશીલ ગરબા મેદાનમાં યોજાયેલ ઓસમાણ મીરના કાર્યક્રમમાં ફરાસખાના પેટે શોભનમ ડેકોરેટર્સને 3,24,856 રુપિયા ચુકવવાના છે જ્યારે આ જ કાર્યક્રમમાં એલઇડી લાઇટીંગ ફ્લાઇંગ સાઉન્ડ, સ્ટેજ લાઇટીંગ સહિતના અન્ય ખર્ચા માટે શોભનમ ડેકોરેટર્સને 1,61 650 રુપિયા, 14 ફેબ્રુઆરીએ સુભાનપુરામાં યોજાયેલા કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં પણ શોભનમ ડેકોરેટર્સને 4,98,658 રુપિયા, આ જ કાર્યક્રમ માટે શોભનમ ડેકોરેટર્સને 2,91500 રુપિયા, ઉપરાંત 16 ફેબ્રુઆરીએ અંબાલાલ પાર્ક કારેલીબાગમાં યોજાયેલ ગીતા રબારીના કાર્યક્રમ માટે શોભનમ ડેકોરેટર્સને 3,08,793 રુપિયા, તથા આ જ કાર્યક્રમ માટે એલઇડી લાઇટ સ્ટેજ લાઇટ સહિતના ખર્ચા માટે 1,65,820 રુપિયા, પદમાવતી શોપિંગ સેન્ટર પાસે સ્વાગત અને પ્રતિમાના લોકાર્પણ પ્રસંગ માટે ફસારખાનાના શોભનમ ડેકોરેટર્સને 9,81,933 રુપિયા, સીએમના સ્વાગતના હોર્ડીંગ્સ તથા તેની ડિઝાઇનીંગ માટે  મંગલમુર્તી એન્ટરપ્રાઇઝને  44,500 , કિર્તીદાન ગઢવીના કાર્યક્રમના હોર્ડીંગ ડિઝાઇન માટે મંગલમુર્તી એન્ટરપ્રાઇઝને 54,800 રુપિયા, આ કાર્યક્રમ માટે પાણીના જગ પાણીની બોટલનો ખર્ચા માટે પૂજા સેલ્સને  29,975 રુપિયા, શિવજી કી સવારીના કાર્યક્રમમાં ઉદ્ઘોષક દિપ્તીબેન રાણાને 5 હજાર રુપિયા, પંચશીલ મેદાનમાં , સમતા મેદાનમાં તથા અંબાલાલ પાર્ક મેદાનમાં તથા સુરસાગરના કાર્યક્રમમાં એલઇડી વોલ સ્ક્રીન માટે બ્રાઇટ વિઝનને 4,20,080 રુપિયા, પંચશીલ મેદાનના કાર્યક્રમમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે ડીજીટલ આઇને 95,702 રુપિયા, સમતા મેદાનમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે ડીજીટલ આઇને 1,36,653 રુપિયા, પંચશીલ મેદાનમાં યોજાયેલ કાર્યક્રમમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે ડીજીટલ આઇને 1,36,653 રુપિયા, સુરસાગરના કાર્યક્રમ માટે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે ડીજીટલ આઇને 2,07,161 રુપિયા, આ કાર્યક્રમ માટે ફુલહાર માટે સિદ્ધી વિનાયક ફ્લાવર્સને 93,240 રુપિયા, શિવજી કી સવારીના ગીતા રબારી, ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં બેકડ્રોપની કામગિરી માટે વિનાયક પ્રિન્ટર્સને 54,940 રુપિયા, ઓસમાણ મીરને તસલમાતથી ચુકવેલા 5,31,000 રુપિયા, કિર્તીદાન ગઢવીને તસલમાતથી ચુકવેલા 6 49 000, ગીતા રબારીને તસલમાતથી ચુકવેલા 5,31 000 રુપિયા, ગોલ્ડ ફોઇલ મહાદેવ મૂર્તીના ખર્ચ માટે ઘરેણાને 29,549 રુપિયા અને શિવજીના મોમેન્ટો માટે ગણદેવીકર જ્વેલર્સને 6,450 રુપિયા મળી 1,05,53575 રુપિયાનો ખર્ચો થયો છે જે કોર્પોરેશનને હવે ચૂકવવો પડી શકે છે. પ્રજાને પૈસે તાગડધીન્ના કરી મોટા દાતાઓ બનીને ફરનારા ત્રિપૂંડધારી સનાતની નેતાઓની ટોળકીને હવે વડોદરાની જનતા ઓળખી ગઈ છે.

Reporter: admin

Related Post