અટલાદરામાં પ્રમુખસ્વામી તીર્થ સોસાયટીમાં ગટર લાઈન ચોકઅપની ૧૫ થી ૨૦ ફરિયાદો કોઈ કાર્ય વાહી થઈ નથી
વડોદરા : સતત ૩ દિવસ પુરના પાણીમાં ડૂબ્યા બાદ હવે વડોદરા માથે નવુ સંકટ ઊભુ થયુ છે.વડોદરા શહેરમાં અનેક સોસાયટીઓમાં પૂરના પાણીને કારણે ગંદકી પ્રસરી છે અને ગટર લાઈન ચોક થઈ હોવાની સેંકડો ફરિયાદો વડોદરા કોર્પોરેશન ની ઓનલાઇન વેબસાઈટ ઉપર કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.આટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી તીર્થ સોસાયટીમાં ગટર લાઈન ચોકઅપની ૧૫ થી ૨૦ ફરિયાદો નોંધવામાં આવી હોવા છતાં પણ તંત્રની કામગીરી હાથ ધરવામાં આવી નથી.અતિશય ગંદકી અને ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. પૂર પહેલા પણ વડોદરાના અનેક વિસ્તારો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા હવે પૂરના કારણે સમસ્યા વધુ વકરશે તેવી સ્થિતિ છે.
વડોદરાના લાખો લોકો પૂર પછીની વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે હવે કોલેરા જેવા પાણીજન્ય રોગો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેંગ્યુ પણ ફેલાશે તેવી શક્યતાઓ ડોક્ટરો પણ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરામાં બારેમાસ મચ્છરોનો ત્રાસ રહે છે ત્યારે ચો તરફ પાણી ભરાયા છે એટલે મચ્છરોના ત્રાસની સાથે મચ્છરોથી ફેલાતા રોગ પણ વધશે ત્યારે રોગચાળો અટકાવવા ૫૦૦ આરોગ્ય ટીમે શહેરનો આરોગ્ય સર્વે શરૃ કર્યો છે. જેમાં ૪૪ મોબાઈલ ટીમો અને ૪૫૦ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ટીમોનો સમાવેશ થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનો દાવો છે કે આ ટીમોએ છેલ્લા બે દિવસમાં કુલ ૧.૪૦ લાખ કરતા પણ વધારે ઘરોની તપાસ કરીને કુલ ૭.૫૮ લાખ લોકોનું હેલ્થ સર્વેલન્સ કર્યુ છે.
Reporter: admin