News Portal...

Breaking News :

BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલા હેમાંગ જોશીએ લીધા આશીર્વાદ

2026-09-02 12:15:05
BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલા હેમાંગ જોશીએ લીધા આશીર્વાદ

વડોદરા: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરા ખાતે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ,હેમાંગ જોશીએ અરુણા દીદી, પૂનમ દીદી સહિત બ્રહ્માકુમારી બહેનોના સાનિધ્યમાં રક્ષાસૂત્ર બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી અટલાદરા કેન્દ્ર સાથે લાંબા સમયથી આત્મીય સંબંધ રહ્યો છે. બાબાના આશીર્વાદ અને બ્રહ્માકુમારી બહેનોનો સ્નેહ સતત મળતો રહ્યો છે. જીવનમાં જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ કે સારો પડાવ આવે ત્યારે અટલાદરા ખાતે આવીને બાબાના રૂમમાં બેસીને સકારાત્મક સ્પંદનો મેળવવાનો પ્રયાસ કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા યુવા મોરચા જેવા દેશના સૌથી મોટા રાજકીય યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર સંભાળતા પહેલા  બ્રહ્માકુમારી અટલાદરા ખાતે આવી ને આશીર્વાદ મેળવ્યા હતા. દેશના યુવાનોની ઊર્જા, શક્તિ અને ક્ષમતાનો રાષ્ટ્રનિર્માણમાં મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તેમને સકારાત્મક દિશામાં કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે માટે તેમણે બાબા તથા બ્રહ્માકુમારી બહેનોના આશીર્વાદ માંગ્યા હતા.


‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યારે યુવાનોની શક્તિ અને સામર્થ્યને યોગ્ય દિશા આપીને રાષ્ટ્રનિર્માણમાં જોડવાના પ્રયાસો કરવાની ભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી.

રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરા ખાતે મળેલા સ્નેહ, આશીર્વાદ અને આત્મીયતા બદલ તેમણે અરુણા દીદી, પૂનમ દીદી તથા સમગ્ર બ્રહ્માકુમારી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post