ગાજિયાબાદ : ઉત્તર પ્રદેશની ગાજિયાબાદ જિલ્લા કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે ભારે હોબાળો થતાં પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો છે, બીજીતરફ ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસચોકી પણ સળગાવી છે.
મળતા અહેવાલો મુજબ કોર્ટની અંદર જ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી બબાલ શરૂ થઈ ગઈ હતી, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.અહેવાલો મુજબ, સુનાવણી દરમિયાન વકીલ નાયર સિંહ યાદવ અને તેમના વકીલ સાથીઓની ન્યાયાધીશ સાથે ઉગ્ર દલીલ થઈ, પછી જોતજોતામાં અંદરો અંદર ભારે બબાલ થતા અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન કોર્ટની અંદર જ ભારે ઘમાસાણ જોતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેના કારણે નહર સિંહ યાદવ અને તેમના એક વકીલને ઈજા થઈ છે. વિવાદ બાદ કચેરીનું કામકાજ ઠપ થઈ ગયું છે.
આ ઉપરાંત અનેક જિલ્લાની પોલીસને કોર્ટમાં તહેનાત કરી દેવાયા છે. પોલીસે કોર્ટમાં ફસાયેલા ન્યાયાધીશને પણ સુરક્ષિત બહાર કાઢ્યા છે.ગાજિયાબાદની જિલ્લા કોર્ટમાં એક વ્યક્તિના જામીન મામલે સુનાવણી ચાલી રહી હતી, જેમાં કેટલાક કારણોસર બોલાચાલી થઈ અને પછી મામલો ઉગ્ર બન્યા બાદ ન્યાયાધીશ અને વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી. કોર્ટમાં શરમજનક ઘટના બન્યા બાદ ન્યાયાધીશે પોલીસ અને પીએસી બોલાવી છે. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
Reporter: admin