વડોદરા શહેરમાં ધીમીધારે વરસતા વરસાદ વચ્ચે ફતેગંજ બ્રિજ પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અકસ્માતમાં તમામ વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક મહાકાય વાહને અચાનક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી કારના ચાલકે પણ તાત્કાલિક બ્રેક લગાવી હતી. જેના પરિણામે પાછળથી આવી રહેલા અન્ય ત્રણ વાહનો એક પછી એક અથડાતા કુલ ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી વાહનો હટાવી વાહનવ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.
નોંધનીય છે કે ફતેગંજ બ્રિજ પર અગાઉ પણ અનેક વખત અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વરસાદી મોસમમાં ભીના રસ્તા અને અચાનક બ્રેક મારવાની સ્થિતિને કારણે વાહનચાલકોને વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.
Reporter: admin







