વડોદરાના ફતેગંજથી પંડ્યા બ્રિજ તરફ જતા વ્યસ્ત માર્ગ પર આવેલી મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટીના મુખ્ય ફેકલ્ટી ગેટ બહાર તૂટેલા ગટરનાં ઢાંકણાંને કારણે ગંભીર અકસ્માતનો ખતરો ઉભો થયો છે. દરરોજ હજારો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વાહનચાલકો આ માર્ગ પરથી પસાર થતા હોવા છતાં લાંબા સમયથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
હાલ સંબંધિત તંત્ર દ્વારા તૂટેલા ગટર પર માત્ર બેરિકેડ મૂકી ચેતવણી આપવામાં આવી છે, પરંતુ ઢાંકણાનું સમારકામ કે બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વ્યસ્ત માર્ગ પર આવી બેદરકારીને કારણે કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રહીશોએ માંગ કરી છે કે માત્ર બેરિકેડ મૂકીને જવાબદારી પૂર્ણ કરવાને બદલે તંત્ર તાત્કાલિક ગટરનું કાયમી સમારકામ કરે અને માર્ગને સુરક્ષિત બનાવે, જેથી વિદ્યાર્થીઓ અને નાગરિકો નિર્ભયતાથી અવરજવર કરી શકે.
Reporter: admin







