અમદાવાદ : મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે. એક વર્ષમાં જ ઈન્દ્રજિતસિંહ પરમારે ભાજપને અલવિદા કરી પુનઃ કોંગ્રેસમાં જોડાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જ પૂર્વ ધારાસભ્યની ઘરવાપસી થઈ છે. હજુ ઘણાં દિગ્ગજ નેતાઓ ભાજપનો કેસરી ખેસ ઉતારે તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કેટલાંય નેતાઓએ પક્ષની વાડ કૂદીને કમલમ તરફ દોટ માંડી હતી. તે વખતે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે પણ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે, ઘણાં ટૂંકા સમયમાં જ ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો હતો.મહુધા-ડાકોર રોડ પર મિર્ઝાપુર ખાતે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઈન્દ્રજિતસિંહ પરમારને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતાં.
ઈન્દ્રજીતસિહ પરમારે જાહેરમાં એ વાતની કબૂલાત કરી હતી કે, ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે એમ કહ્યું કે, 'ભાજપમાં અમે મૂંઝવણ અનુભવી રહ્યા હતાં. એક વર્ષના સમયગાળા દરમિયાન હું ભાજપ કે સરકાર કાર્યક્રમમાં ગયો નથી.'આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર જ નહીં, હજુ ઘણાં નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ કારણોસર ખેડા જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી પર તેનો પ્રભાવ પડશે તેવો કોંગ્રેસી નેતાઓને આશાવાદ છે.
Reporter: admin