ગોંડલમાં રહેતી 18 વર્ષીય યુવતીની સગાઈ ભાવનગરના મહુવા ખાતે રહેતા તેની જ જ્ઞાતિના જેમ્સ ચૌહાણ સાથે ગત તા.25-6-2023ના થઈ હતી. દરમિયાન સગાઈના એક મહિના બાદ યુવતીના મોટાભાઈના લગ્ન હોય જેથી જમાઈને પણ તેડાવ્યો હતો.
દરમિયાન અહીં મંગેતરે જેમ્સે યુવતીને રૂમમાં મળવા બોલાવી બાદમાં તેની એકલતાનો લાભ લઈ તેને તથા તેના પરિવારને પતાવી દેવાની તથા પ્રસંગ બગાડવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ભાઈના લગ્નનો પ્રસંગ હોય જે ન બગડે તે માટે યુવતીએ આ વાત કોઈને કહી ન હતી. બાદમાં પ્રસંગ પુરો થયા બાદ ઘરે આવી યુવતીએ આ બાબતે પરિવારને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો. બાદમાં તેમણે આ સગાઈ તોડી નાખી હતી.
યુવતી પર દુષ્કર્મ આચરી મંગેતર જેમ્સ દ્વારા તેની જાણ બહાર તેના ખરાબ ફોટો પાડી લીધા હતા. યુવતીએ સગાઈ તોડી નાખ્યા બાદ મંગેતરે આ ફોટો પોતાના સ્ટેટસમાં મુકી વાયરલ કરી દઈ યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. જેથી અંતે આ મામલે યુવતીએ પુર્વ મંગેતર સામે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ગોંડલ બી ડિવીઝન પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 376, 506 (2) તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી મહુવામાં રહેતા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઈ આર.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.
Reporter: News Plus