વડોદરા જિલ્લાના રામપુરા ગામમાં વસતા 48 વર્ષીય જ્યોત્સનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોના ઉછેર થતો હોય છે, જેમાં રીંગણ, ડુંગળી, પાલક, મેથી, મરચાં, ટમેટાં, ધાણા અને લીંબુ જેવા શાકભાજીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, તેઓ ચીકુ, જામફળ, રાયણ અને જાંબુ જેવા ફળોનું પણ ઉછેર કરે છે.જ્યોત્સનાબેન કહે છે કે તેમનું પરિવાર વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું છે, પરંતુ 'આત્મા પ્રોજેક્ટ' સાથે જોડાયા પછી તેમને વધુ વ્યાવસાયિક રીતે પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિઓ સમજવામાં મદદ મળી. આ પ્રોજેક્ટના માધ્યમથી તેમણે અનેક તાલીમમાં ભાગ લીધો છે અને તે તાલીમના આધારે પોતાનું ખેતર વધુ ફળદ્રુપ બનાવ્યું છે.તેઓ પોતાની ગામની અન્ય મહિલાઓને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને આ મુદ્દે માહિતી આપે છે.
જ્યોત્સનાબેનનું માનવું છે કે ખેતી કરતી દરેક ખેડૂત બહેનોએ પ્રાકૃતિક ખેતી દ્વારા આગળ વધવું જોઈએ. તેઓનું કહેવું છે કે પ્રાકૃતિક પદ્ધતિઓથી ખેતી કરવાથી જમીન વધુ ફળદ્રુપ બને છે અને ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.આજે જ્યોત્સનાબેનના ખેતરમાં બાજરી અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીના કારણે તેમની વાર્ષિક આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.જ્યોત્સનાબેનનું કામ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. તેમના પ્રયાસો એ દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતીથી ખેતીની મૌલિક પદ્ધતિઓને સુધારી શકાય છે અને સાથે સાથે પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન આપી શકાય છે.
Reporter: admin