વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરા શહેર પી.સી.બી.ને મળેલી બાતમીના આધારે લક્ષ્મીપુરા વિસ્તારમાં કાર્યવાહી કરી ફોર વ્હીલરમાં ભરી લાવવામાં આવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
પી.સી.બી.ને બાતમી મળી હતી કે વિધ્યામંદિર સ્કૂલ પાસે આવેલી કૃષ્ણદીપ સોસાયટીમાં રહેતો સુનીલકુમાર રાઠોડ પોતાની વેગન આર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે. મળેલી બાતમીના આધારે પી.સી.બી.ની ટીમે શ્રી સત્ય કબીર ફાર્મ સામે આવેલી સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે શંકાસ્પદ કાર આવતાં તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર સાથે દારૂનો જથ્થો કબજે કરી સુનીલકુમાર રાઠોડને ઝડપી પાડ્યો હતો.
આ કેસમાં દારૂ સપ્લાય કરનાર તરીકે પાલઘર, મહારાષ્ટ્રના પીન્ટુ નામના ઇસમની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે તે પોલીસને હાથ લાગ્યો નથી અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પી.સી.બી.ની કાર્યવાહી બાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







